રૂપા પીરીકાકાએ કંઇક અનિશ્ચિતતા સાથે કહ્યું: “દરેક લોકો તે કરી રહ્યા છે. તેથી, અમે પણ કરીએ છીએ.”
“તે” એટલે આનુવંશિક રીતે સંશોધિત (જી.એમ.) બીટી કપાસના બીજ છે, જે હવે સરળતાથી સ્થાનિક બજારમાં અથવા પોતાના ગામમાં પણ ખરીદી શકાય છે. “દરેક લોકો” એટલે દક્ષિણ-પશ્ચિમના રાયગડા જિલ્લાના બાકીના ગામમાં અને તેના જેવા અસંખ્ય અન્ય ખેડુતો છે જે આની ખેતી કરે છે.
“તેમને તેમના હાથમાં પૈસા મળી રહ્યા છે” તે કહે છે.
પીરીકાકા આશરે ૪૦ વર્ષિય કોંઠ આદિવાસી ખેડૂત છે. બે દાયકાઓ સુધી, દર વર્ષે તે એક ટેકરીના ઢોળાવમાં ડાંગર ચાસ તૈયાર કરતા, જે પર્વતિય ખેતી (ખસેડાતી જમીન પરની ખેતી) તરીકે ઓળખાય છે. સદીઓથી પ્રદેશના ખેડુતો દ્વારા તૈયાર કરેલ પરંપરાઓનું અનુસરણ કરી, પીરિકાકા વારસાગત બિયારણના મિશ્રિત પ્લોટોનું વાવેતર કરતા જે તેમણે પાછલા વર્ષોમાં કૌટુંબિક પાકમાંથી બચાવ્યું હતું. આનાથી માંડિયા અને કાંગુ જેવી બાજરી, તુવેર અને કાળા ચણા જેવા કઠોળ, તેમજ ચોળા, નાઇજર બીજ (રામતલ) અને તલ જેવી પરંપરાગત જાતોના ખાદ્ય પાકની ટોપલીઓ મળતી.
આ જુલાઈમાં પિરિકાકાએ પ્રથમ વાર બીટી કપાસની વાવણી કરી. તે જ સમયે, તેમના ગામ બિશ્માકટક બ્લૉકમાં પર્વતની ઢાળ વાળી ટેકરી ઉપર, રસાયણ યુક્ત ઘાટા ગુલાબી બીની વાવણી કરતા પિરિકાકા સાથે અમે પ્રથમ વખત મળ્યા હતા. આદિવાસીઓની સ્થાનાંતરિત ખેતી પદ્ધતિમાં કપાસની ખેતીનો બદલાવ આશ્ચર્યજનક હતો, તેથી અમે તેના વિષે જાણવા માગતા હતા.
પિરિકાકા સ્વીકારે છે, કે “હળદર જેવી ખેતી પણ પૈસા આપે છે, પણ એમ કોઈ નથી કરતું. બધા માંડિયા (બાજરી)ની વાવણી છોડીને... કપાસની વાવણી કરે છે.”
રાયગડા જિલ્લામાં કપાસ હેઠળનો વિસ્તાર માંડ ૧૬ વર્ષમાં ૫,૨૦૦ ટકા વધ્યો છે. જિલ્લા ખેતીવાડી કચેરીના જણાવ્યા અનુસાર, સત્તાવાર આંકડા, ૨૦૦૨-૦૩માં કપાસ હેઠળ માત્ર ૧,૬૩૧ એકર બતાવે છે, જે ૨૦૧૮-૧૯માં તે ૮૬,૯૦૭ એકર હતું.
લગભગ દસ લાખની વસ્તી ધરાવતું, કોરાપુટ ક્ષેત્રનો એક ભાગ, રાયગડા, વિશ્વના મહાન જૈવવિવિધતા વાળો એક પ્રદેશ છે, અને ચોખાની વિવિધતા માટે ઐતિહાસિક વિસ્તાર છે. સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ૧૯૫૯ના સર્વેક્ષણમાં તે સમયે આ પ્રદેશમાં પણ ચોખાની ૧,૭૦૦ જાતો હતી. પણ તે હવે ૨૦૦ ની આસપાસ રહી ગઈ છે. કેટલાક સંશોધકો માને છે કે તે ચોખાના વાવેતરનું જન્મસ્થળ છે.








