ગોંડિયાની મહિલા મજૂરો વિષે આ લેખ સૌપ્રથમ ૨૭ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ ધ હિંદુમાં પ્રકાશિત થયો હતો, પરંતુ ત્યારથી અત્યાર સુધી સ્થિતિમાં કંઈ વધારે સુધારો આવ્યો નથી. ૧ મે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના પર્વ પર, એ મહિલાઓના સન્માનમાં આ લેખ અમે પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ.
રેવંતાબાઈ કાંબલે એ પોતાના ૬ વર્ષના દીકરા સાથે ઘણા સમયથી વાત નથી કરી. જો કે, તે તિરોરામાં એક જ ઘરમાં રહે છે. બુરીબાઈ નાગપુરે માટે પણ આવું જ છે, જો કે એમનો મોટો દીકરો જાગતો હોય તો તે તેને મળી શકે છે. બંને મહિલાઓ મહારાષ્ટ્રના ગોંડિયા જિલ્લાની એ સેંકડો મહિલાઓમાંથી છે, જે દરરોજ ફક્ત ચાર કલાક જ ઘરમાં વિતાવે છે અને રોજના ફક્ત ૩૦ રૂપિયા કમાવવા માટે દર અઠવાડિયે ૧,૦૦૦ કિલોમીટરની મુસાફરી કરે છે.
સવારે ૬ વાગ્યાનો સમય છે, જ્યારે અમે આ મહિલાઓ સાથે એમના ઘેરથી રેલ્વે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. તેમાંથી મોટાભાગની મહિલાઓ બે કલાક પહેલાં જ ઉંઘીને ઉઠી ગઈ છે. “મે ખાવાનું બનાવવા, કપડા ધોવા, કચરો કાઢવા અને સફાઈ કરવાના કામ કરી દીધા છે,” બુરીબાઈ ખુશીથી કહે છે. “તેથી હવે અમે વાત કરી શકીએ છીએ.” અમે જ્યારે ત્યાં પહોંચ્યા, તો એમના ઘરનું કોઈ સભ્ય જાગતું નહોતું. “બિચારા, થાકેલા છે,” તે કહે છે. શું બુરીબાઈ પણ થાક્યા નથી? “થાકી છું, પણ શું કરીએ? અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.”
સ્ટેશન પર ઘણી મહિલાઓ છે, જેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. તે એક રીતે અસામાન્ય પણ છે: તે ગામમાંથી શહેરમાં સ્થળાંતર કરનાર નથી. તે શહેરી વિસ્તારના સ્વતંત્ર મજૂર છે, જેઓ ગામમાં કામ શોધે છે. આ ખોજ એમને તિરોરા જેવા મુફસિલ શહેરમાંથી, જે તાલુકાનું મુખ્ય મથક છે, ખેતમજૂર તરીકે ગામડા તરફ લઇ જાય છે. આ દરમિયાન તેઓ રોજ પોતાના ઘેર થી ૨૦ કલાક દૂર રહે છે. અઠવાડિયામાં એકે રજા નથી હોતી અને ન તો તિરોરામાં કામ મળી રહે છે. “બીડી ઉદ્યોગ જતા રહ્યા પછી”, એમને કામ મળવું અશક્ય થઈ પડ્યું છે,” ગોંડિયામાં કિસાન સભાના જિલ્લા સચિવ, મહેન્દ્ર વાલડે કહે છે.








