તે રાત્રે જ્યારે વિક્રમ ઘેર પાછો ન આવ્યો ત્યારે તેની માતા પ્રિયાને ચિંતા નહોતી થઈ. તે કામઠીપુરાની બીજી ગલીમાં ઘરવાળીના મકાનમાં કામ કરતો હતો અને સામાન્ય રીતે રાત્રે 2 વાગ્યે અથવા ક્યારેક જો તેના કામના સ્થળે સૂઈ ગયો હોય તો બીજે દિવસે સવારે ઘેર પાછો જતો.
તેણે (પ્રિયાએ) તેને (વિક્રમને) ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. જ્યારે બીજે દિવસે, 8 મી ઓગસ્ટે, સાંજ સુધી તે પાછો ન ફર્યો ત્યારે તે ચિંતિત થઈ ગઈ. તેણે મધ્ય મુંબઈના નજીકના નાગપડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ વ્યક્તિની ફરિયાદ નોંધાવી. બીજે દિવસે સવારે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. પ્રિયા કહે છે, "તે મુંબઈ સેન્ટ્રલના એક મોલ પાસે એક ફૂટબ્રિજ નજીક જોવા મળ્યો હતો."
તેની ચિંતા વધતી ગઈ. તે વિચારતી, “કોઈ તેને ઊઠાવી ગયું હશે તો? તેને આ નવી બીમારી [કોવિડ] થઈ હશે? " તે કહે છે, "આ વિસ્તારમાં કોઈને શું થાય છે તેની કોઈને કંઈ પડી નથી."
જો કે વિક્રમ તો તેની પોતાની મુસાફરીએ ચાલી નીકળ્યો હતો, જેનું તેણે અગાઉથી આયોજન કર્યુ હતું. દેહ વિક્રયનો વ્યવસાય કરતી 30 વર્ષની તેની માતા લોકડાઉન દરમિયાન કામ કરી શકતી નહોતી, અને વિક્રમ તેની કથળતી જતી આર્થિક સ્થિતિ અને વધતી જતી ઉધારીનો સાક્ષી હતો. તેની નવ વર્ષની બહેન રિદ્ધિ નજીકની મદનપુરા સ્થિત છાત્રાલયમાંથી ઘેર પાછી આવી હતી, અને પરિવાર એનજીઓ દ્વારા વિતરણ કરાયેલી રેશન કીટ પર નભતો હતો. (આ અહેવાલના બધા નામો બદલ્યા છે.)
અને માર્ચમાં લોકડાઉનની સાથોસાથ વિક્રમની ભાયખલ્લાની મ્યુનિસિપલ શાળા પણ બંધ થઈ ગઈ. તેથી 15 વર્ષના વિક્રમે નાના મોટા છૂટક કામ કરવાનું શરૂ કર્યું.
પરિવારને રાંધવા માટે રોજેરોજ 60-80 રુપિયાના કેરોસીનની જરૂર રહેતી. કામઠીપુરામાં નાનકડી ઓરડીનું ભાડુ ચૂકવવાના તેમને ફાંફા પડતા હતા. તેમને દવાઓ માટે, અને પહેલાના ઉછીના લીધેલા પૈસા ચૂકવવા માટે પૈસાની જરૂર હતી. પ્રિયા તેના ગ્રાહકો અથવા સ્થાનિક લોકો પાસેથી વધુ ને વધુ પૈસા ઉછીના લેતી રહી. એક શાહુકાર પાસેથી ઉછીની લીધેલી રકમ કેટલાક વર્ષોમાં વ્યાજ સાથે વધતા વધતા 62000 રૂપિયા થઈ ગઈ હતી. અને તે તેમાંની અડધી રકમ જ ચૂકવી શકી છે, છેલ્લા છથી ય વધુ મહિનાથી તે ઘરવાળી (મકાનમાલિક અને કોઠાવાળી મેડમ) ને 6000 રુપિયાના માસિક ભાડામાંથી ય અડધી રકમ જ ચૂકવી શકી છે , ઉપરાંત આશરે 7000 તેની પાસેથી ઉછીના લીધા છે.










