રાતના 2 વાગ્યા હતા, ચારે તરફ ઘોર અંધારું હતું. અને અમે તમિલનાડુમાં રામનાથપુરમ (ઘણી વખત બોલચાલમાં રામનાદ તરીકે ઓળખાતા) જિલ્લાના દરિયાકિનારે ‘મિકેનાઇઝ્ડ બોટ’ ના બિરુદ સાથે ગર્વથી દરિયો ખેડતા જહાજ પર સવાર હતા.
'મિકેનાઈઝ્ડ બોટ' મૂળભૂત રીતે જર્જરિત, કંઈક અંશે પ્રાચીન જહાજ હતું જેમાં લેલેન્ડ બસ એન્જિન લગાવવામાં આવ્યું હતું (જે 1964માં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, પરંતુ માછીમારી માટે ઉપયોગમાં લેવા માટે તેમાં કેટલાક ફેરફારો કરાયા હતા - અને 1993માં જ્યારે મેં આ સફર કરી ત્યારે હજી પણ ઉપયોગમાં હતું). મારી સાથેના તમામ માછીમારો સ્થાનિકો હતા. તેઓ જાણતા હતા કે અમે બરાબર ક્યાં છીએ પરંતુ હું તો પૂરી મૂંઝવણમાં હતો. હું માત્ર એટલું કહી શકું કે અમે બંગાળની ખાડીમાં ક્યાંક-એક જગ્યાએ હતા.
અમે લગભગ 16 કલાકથી દરિયામાં જ હતા અને વચ્ચે વચ્ચે તોફાની દરિયાનો અનુભવ પણ કરી ચૂક્યા હતા. પરંતુ તેમ છતાં પાંચે ય માછીમારોના ચહેરા પરનું સ્મિત જરાય ઓછું થયું નહોતું, તે બધાની અટક ‘ફર્નાન્ડો’ છે – અહીંના માછીમાર સમુદાયમાં આ અટક ખૂબ જ સામાન્ય છે.
એક ફર્નાન્ડોએ પકડેલી લાકડીના છેડે કાપડનું ચીંથરું કેરોસીનમાં ડૂબાડીને સળગાવેલું હતું. 'મિકેનાઇઝ્ડ બોટ' માં આ સિવાય પ્રકાશનો કોઈ સ્ત્રોત નહોતો/લાઈટની બીજી કોઈ વ્યવસ્થા નહોતી. હું ચિંતિત હતો. આ અંધકારમાં હું ફોટોગ્રાફ્સ શી રીતે લઈશ?
માછલીઓએ મારી સમસ્યા હલ કરી દીધી.
ફોસ્ફોરેસન્સથી (ને મને બરોબર ખબર નથી બીજું પણ કંઈ હોય તો) ચમકતી માછલીઓ જાળીઓમાં પકડાઈ અને માછીમારની બોટના જે ભાગમાં તેમને રાખવામાં આવી હતી તે ખૂણો અજવાળી દીધો. કેમેરાની ફ્લેશ સીધી માછલીઓ પર ન પડે તે રીતની ફ્લેશની ચોક્કસ પ્રકારની ગોઠવણે બાકીનું કામ પૂરું કર્યું. હું ફ્લેશનો ઉપયોગ કર્યા વિના પણ થોડા ફોટા લઈ શક્યો (અમસ્તું પણ મને ફ્લેશ(નો ઉપયોગ કરવાનું) બહુ પસંદ નથી).
એકાદ કલાક પછી મને જિંદગીમાં ક્યારેય ખાધી નહોતી એટલી તાજી માછલી પીરસવામાં આવી. પતરાનો જૂનો મોટો તળિયે કાણાં પાડેલો એક પોલો ડબ્બો ઊંધો કરીને તેની ઉપર આ માછલી રાંધવામાં આવી હતી. ડબ્બાની નીચે અને અંદર તેઓએ કોઈક રીતે આગ પ્રગટાવી હતી. 1993માં રામનાદના દરિયા કિનારે મેં કરેલી આવી ત્રણ સફરમાંની આ એક હતી, અમે બે દિવસ માટે દરિયામાં બહાર હતા. દરેક સફર વખતે મેં જોયું કે માછીમારો આદિમ સાધનો સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અસાધારણ કાર્યક્ષમતા સાથે અને સૌથી અગત્યનું તો હંમેશ ખુશખુશાલ રહીને કામ કરતા હતા.



