આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.
કડલ ઓસાઈ રેડિયો સ્ટેશન પર એ યશવંત બોલી રહ્યા છે, "11 વાગીને 40 મિનિટ થઇ છે, હવે તમે સાંભળશો પવનની ગતિ વિષે. છેલ્લા એક અઠવાડિયાથી કે એક મહિનાથી "કચ્ચન કાઠું" (દક્ષિણી પવનો)એ ઘણું જોર પકડ્યું છે. તે એક કલાકના 40 થી 60 કિલોમીટર જેટલી ભારે ગતિમાં વહી રહ્યા છે. આજે જાણે માછીમારોને મદદ કરવાના હોય એમ કલાકના 15 કિલોમીટરની ગતિએ ચાલી રહ્યા છે."
તામિલનાડુના રામનાથપુરમ જિલ્લાના પમ્બન દ્વીપના માછીમારો માટે આ ખૂબ સારા સમાચાર છે. "એનો અર્થ છે કે એ લોકો હવે કોઈ ભય વગર દરિયામાં જઈ શકશે," યશવંત પોતે માછીમાર છે અને અમને સમજાવે છે. એ આ વિસ્તારના સમુદાયો માટેના પાસેના રેડિયો સ્ટેશન - કડલ ઓસાઈ (દરિયાનો અવાજ) નો રેડિયોજોકી પણ છે.
રક્તદાન અંગેના કાર્યક્રમના ખાસ પ્રસારણની પહેલા યશવંત હવામાનના વર્તારા રેલાવતા અંતમાં કહે છે, "તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ છે. પાણી ખૂબ પીજો અને તડકાથી દૂર રહેજો."
આવી સાવચેતી જરૂરી છે, કારણ પંબનમાં હવે 1996માં, જયારે યશવંતનો જન્મ થયેલો ત્યારે જોવા મળતા એના કરતા કંઈક વધારે ગરમીના દિવસો જોવા મળે છે. એ સમયે ટાપુ પર વર્ષના 162 દિવસ તાપમાનનો પારો 32 સેન્ટીગ્રેડ કે એથી ઉપર જતો. એમના પિતાજી એન્થની સામી વાસનો હજુય પૂરા સમયના માછીમાર તરીકે કામ કરે છે. એમનો જન્મ 1973માં થયેલો, તે સમયે આવા દિવસો વર્ષમાં 125 થી વધુ જોવા ના મળતા. આજની તારીખે ન્યૂ યોર્ક ટાઇમ્સની વેબસાઈટ પર જુલાઈમાં મૂકવામાં આવેલા વાતવરણ અને વૈશ્વિક ઉષ્ણતા માપવાના દ્વીમાર્ગીય સાધન મુજબ એક વર્ષમાં આવા ગરમીના દિવસો ઓછામાં ઓછા 180 જેટલા હોય છે.
એટલે યશવંત અને એના મિત્રો માત્ર હવામાન જ નહિ પણ વાતાવરણના ઘણા મોટા પ્રશ્નો પણ સમજવાનો પ્રયત્ન કરે છે. એમના પિતા અને દ્વીપના સૌથી મોટા બે શહેર પંબન અને રામેશ્વરમના એમના સાથી માછીમારો, લગભગ 83,000ની વસ્તી, બદલાતા વાતાવરણની સમજ માટે એમના તરફ વળે છે.









