પ્રહલાદ સિંહ ટિપનિયા અને [કબીર પ્રોજેક્ટના] શબનમ વિરમાણી જ્યારે કબીરના ભજનો ગાય છે ત્યારે એકતારા સાથે ગાય છે.
આ એકતારો વાદ્ય દેશના ઘણા ભાગોમાં - ભજન ગાયકો અને ઠેકઠેકાણે ફરતા રહેતા કલાકારો પાસે - જોવા મળે છે. લગભગ 100-120 સેન્ટિમીટર લાંબા એકતારાના ઘણા નામ છે. કર્ણાટકમાં તેને એકનાદ કહેવામાં આવે છે; પંજાબમાં, તુંબી; બંગાળમાં બાઉલ; અને નાગાલેન્ડમાં તાતી. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં તેને બુર્રા વીણા કહેવામાં આવે છે. છત્તીસગઢના આદિવાસીઓ તેમના નાચગાનમાં એકતારાનો ઉપયોગ કરે છે.
એકતરામાં ચપટા, કાણું પાડેલા અને સૂકા કોળાનો ઉપયોગ અનુનાદક (રેઝોનેટર) તરીકે થાય છે. ચામડાનો ટુકડો રેઝોનેટરના સાંકડા મોંને આવરી લે છે. રેઝોનેટરમાં પોલા વેલુ [એક જાતનો વાંસ] નાખવામાં આવે છે. નીચલો છેડો કોળામાંથી બહાર આવે છે અને તેની સાથે એક તાર જોડવામાં આવે છે. તારને પુલ પર મૂકીને વેલુના બીજા છેડે એક ખીંટી સાથે બાંધવામાં આવે છે. તારને પહેલી અથવા બીજી આંગળી વડે ખેંચવામાં આવે છે.
એકતારાની ડિઝાઈન અને તેને બનાવવાની પ્રક્રિયા બીજા તંતુવાદ્યો કરતાં સરળ છે. કોળું, લાકડું, વાંસ અને દોરી સરળતાથી મળી જાય છે. કોળું શ્રેષ્ઠ રેઝોનેટર મનાય છે. આફ્રિકન વાદ્યોમાં પણ તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. એકતારો બેઝ નોટ અને મૂળભૂત લય પણ આપે છે. ગાયક તેમનો સૂર મેળવી શકે છે, અને ગીતને અવાજ અનુસાર ગતિ આપી શકે છે. તે એક પ્રાચીન સ્વદેશી વાદ્ય છે. શરૂઆતમાં આ તાર પણ ચામડાના બનેલા રહેતા, પ્રાણીઓની ખાલના આંતરિક સ્તરમાંથી તાર બનાવાતા. કર્ણાટકમાં યલ્લમ્માની પૂજામાં હજી આજે પણ ચામડાના તારવાળો એકતારો વગાડવામાં આવે છે. તેને ઝુમ્બરુક કહેવામાં આવે છે. તેથી આપણે કહી શકીએ કે ચામડાની ડિસ્ક પર ચામડાના તારથી પડઘો પડ્યો ત્યારે પહેલો સ્વર અને પહેલો લય ઉત્પન્ન થયો હતો. અને એ હતું પહેલું સંગીત વાદ્ય. ખેતીપ્રધાન સમાજમાં ધાતુની શોધ થયા પછી ધાતુના તારનો ઉપયોગ થવા લાગ્યો. સમગ્ર વિશ્વમાં એક જ તારવાળા ઘણા તંતુવાદ્યોની શોધ થઈ હતી અને તે વગાડવામાં આવતા હતા. શેરી સંગીતકારો અને વિચરતા લોકો દ્વારા બનાવેલા અને વગાડવામાં આવતાં વાદ્યો તેમની જીવનશૈલી સાથે પણ ગાઢ રીતે સંકળાયેલા હતા.
ભારતમાં ભક્તિ ચળવળના સંતો અને કવિઓ એકતારાનો વ્યાપકપણે ઉપયોગ કરતા હતા એવું મનાય છે. પરંતુ ઐતિહાસિક રીતે આ સંપૂર્ણ સાચું નથી. કબીર, મીરાબાઈ અને કેટલાક સૂફી સંતોએ ગાતી વખતે એકતારાનો ઉપયોગ કર્યો હતો એવું જોવા મળે છે, પરંતુ મહારાષ્ટ્રમાં નામદેવથી લઈને તુકારામ સુધીના ઘણા સંતકવિઓએ ટાળ (ઝાંઝ), ચિપળી (કરતાલ) અને મૃદંગ (ઢોલક)નો ઉપયોગ કર્યો છે. ઘણા ચિત્રો અને તસ્વીરોમાં સંતોના હાથમાં વીણા બતાવવામાં આવી છે.
મરાઠી વિશ્વકોશ કહે છે: “વીણા એ ભારતીય સંગીતમાં વપરાતું એક પ્રાચીન તંતુવાદ્ય છે. વૈદિક મંત્રોચ્ચાર કરતી વખતે સ્વરો ગણવા માટે તેનો ઉપયોગ થતો હતો. નામદેવ અને તુકારામ જેવા સંતોની તસવીરોમાં આપણને તે જોવા મળે છે તેમ છતાં તુકારામ દ્વારા લખાયેલા કોઈપણ અભંગમાં તેનો સંદર્ભ જોવા મળતો નથી. પરંતુ આપણને ટાળ, ચિપળી અને મૃદંગ જેવા બીજા વાદ્યોના ઘણા સંદર્ભો મળે છે.
આપણે કહી શકીએ કે વીણા ધારણ કરેલ તુકારામની છબી એ આ સંતનું બ્રાહ્મણવાદી સ્વરૂપ હોઈ શકે છે.