"શાળામાં હું જે કંઈ શીખું છું તે મારા ઘરની વાસ્તવિકતાની વિરુદ્ધ છે."
રાજપૂત સમુદાયની 16 વર્ષની પ્રિયા ઉત્તરાખંડના પર્વતીય રાજ્યમાં રહેતી શાળામાં ભણતી છોકરી છે. તે માસિક ધર્મમાં હોય તે દરમિયાન તેને જે કડક અને સ્પષ્ટપણે નિર્ધારિત કરેલા નિયમોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવે છે તેની વાત કરે છે. તે કહે છે, “એ લગભગ બે જુદી જુદી દુનિયામાં રહેવા જેવું છે. ઘેર મને (પરિવારના બીજા સભ્યોથી) મારી જાતને અલગ રાખવાની અને તમામ રીત-રિવાજો અને પ્રતિબંધોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવે છે, અને શાળામાં મને શીખવવામાં આવે છે કે મહિલાઓ પુરુષ સમોવડી છે."
11મા ધોરણમાં ભણતી પ્રિયાની શાળા નાનકમત્તા નગરમાં છે, જે ગામમાંના તેના ઘરથી સાત કિલોમીટર દૂર છે. તે દરરોજ સાયકલ પર શાળાએ જાય છે અને પાછી ફરે છે. તે એક સારી વિદ્યાર્થીની છે, તેણે શરૂઆતમાં આ વિષય અંગે પોતાને શિક્ષિત કરવાનો પ્રયાસ કર્યો. તે કહે છે, “મેં પુસ્તકો વાંચ્યા અને મેં વિચાર્યું કે હું આ કરીશ અને તે કરીશ; હું દુનિયા બદલી નાખીશ. પરંતુ હું મારા પરિવારનેય સમજાવી ન શકી કે આ રિવાજોનો કોઈ અર્થ નથી. હું દિવસ-રાત તેમની સાથે રહું છું છતાં હું તેમને એ સમજાવી શકતી નથી કે આ પ્રતિબંધોનો કોઈ અર્થ નથી."
આ નીતિ નિયમો બાબતે તેની શરૂઆતની અગવડ અને અસ્વસ્થતા ઓછી થઈ નથી પરંતુ હવે તે તેના માતાપિતાની વિચારસરણી પ્રમાણે કરે છે.
પ્રિયા અને તેનો પરિવાર તેરાઈ (નીચાણવાળા) પ્રદેશમાં રહે છે, (2011 ની વસ્તીગણતરી પ્રમાણે) એ રાજ્યમાં સૌથી વધુ ઉપજ આપતો કૃષિ પ્રદેશ છે. આ પ્રદેશમાં ત્રણ પાક લેવાય છે - ખરીફ, રવિ અને ઝૈદ - અને મોટાભાગની વસ્તી ખેતીમાં રોકાયેલી છે અને પશુધન, મોટે ભાગે ગાય અને ભેંસ, પાળે છે.











