શીલા તારે કહે છે, “તેમનો આ ફોટો દિવાલ પર ન હોત. જો સમયસર તેમનું નિદાન થયું હોત, તો તેઓ આજે અમારી સાથે હોત."
વાદળી પૃષ્ઠભૂમિ પર તેમના પતિ અશોકના ફોટોગ્રાફની નીચે મરાઠીમાં લખેલું છે: ‘30/05/2020 ના રોજ અવસાન પામ્યા’.
પશ્ચિમ મુંબઈની બાંદ્રાની કેબી ભાભા હોસ્પિટલમાં અશોકનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ હતું ‘શંકાસ્પદ’ કોવિડ -19 ચેપ. તેઓ 46 વર્ષના હતા અને બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) માં સફાઈ કામદાર હતા.
40 વર્ષના શીલા પોતાના આંસુ રોકી રાખે છે. પૂર્વ મુંબઈના ચેમ્બુરમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી બિલ્ડિંગમાં પરિવારના 269 ચોરસ ફૂટના ભાડાના ફ્લેટમાં સ્તબ્ધતા પ્રસરેલી છે. તેમના દીકરાઓ નિકેશ અને સ્વપ્નિલ અને દીકરી મનીષા તેમની માતાના બોલવાની રાહ જુએ છે.
શીલા આગળ કહે છે, “8 થી 10 એપ્રિલની વચ્ચે, જ્યારે ભાંડુપમાં તેમની ચોકીનો મુકાદમ [કોવિડ -19] પોઝિટિવ હોવાની જાણ થઈ ત્યારે તેઓએ તે ચોકી બંધ કરી અને તમામ કામદારોને [તે જ વિસ્તારમાં, શહેરના એસ વોર્ડમાં] નહુર ચોકી પર હાજર થવા જણાવ્યું . એક અઠવાડિયા પછી તેમણે શ્વાસ લેવામાં મુશ્કેલીની ફરિયાદ કરી."
અશોક ભાંડુપમાં જુદા જુદા કલેક્શન પોઇન્ટ પરથી કચરો ઉપાડતી એક ટુકડી સાથે કચરો ભેગો કરતી ટ્રક પર કામ કરતા હતા. તેઓ કોઈ રક્ષણાત્મક સામગ્રી પહેરતા ન હતા. અને તેમને ડાયાબિટીસ હતો. તેમણે તેમના લક્ષણો તરફ મુખ્ય નિરીક્ષકનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ માંદગીની રજા અને તબીબી પરીક્ષણ માટેની તેમની વિનંતીઓને અવગણવામાં આવી. શીલાને તે દિવસ યાદ આવે છે જ્યારે તેઓ અશોક સાથે નહુર ચોકી ગયા હતા.
તેઓ કહે છે, 'હું તેમની સાથે પાંચ દિવસની રજા આપવા સાહેબને વિનંતી કરવા ગઈ હતી.' તેઓ ઉમેરે છે કે, અશોકે તેમની 21 દિવસની ચાલુ પગારે મળતી રજાઓમાંથી એક પણ રજા લીધી નહોતી. "ખુરશી પર બેઠેલા સાહેબે કહ્યું કે જો બધાય રજા પર જાય, તો આ પરિસ્થિતિમાં કામ કોણ કરશે?"
તેથી અશોક એપ્રિલ અને મે મહિનાઓમાં પણ કામ કરતા રહ્યા. તેમના સહકર્મચારી સચિન બેંકર (તેમની વિનંતીથી નામ બદલ્યું છે) કહે છે કે તેમણે અશોકને કામ કરવા ભારે મહેનત કરવાનો પ્રયત્ન કરતા જોયા હતા.











