પ્રતિભા હિલિમ પૂછે છે, “તીન આણિ દોન કિતી? [ત્રણ વત્તા બે કેટલા થાય?].” તેમની સામે જમીન પર 7 થી 9 વર્ષની ઉંમરના આશરે 10 બાળકો બેઠાં છે. તેઓ જવાબ આપતા નથી. તેઓ પાટિયા પર લખે છે, પાછળ ફરીને બાળકો તરફ જુએ છે અને તેમને હાથ વડે અને માથું નમાવી પુનરાવર્તન કરવા ઈશારો કરે છે, "પાંચ."
પ્રતિભા તેમના બંને ઢીંચણ સાથે જોડાયેલ રબરના તળિયાવાળા ચામડા-અને-સ્ટીલના સ્ટમ્પ પ્રોટેક્ટરની મદદથી ઊભા છે. તેમની કોણી પાસે સફેદ ચાકનો ટુકડો બાંધેલો છે.
‘શાળા’ ચાલુ છે, અને આ શાળા પાલઘર જિલ્લાના કર્હે ગામમાં હિલિમ પરિવારના ત્રણ રૂમવાળા સિમેન્ટના મકાનમાં ચાલે છે. અહીં આ વર્ષે 20 મી જુલાઈથી પ્રતિભા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિક્રમગઢ તાલુકાના આ ગામના 30 જેટલા આદિવાસી બાળકોને અંગ્રેજી, ઈતિહાસ, મરાઠી અને ગણિત શીખવી રહ્યા છે. 1378 લોકોની વસ્તીવાળા આ ગામમાં બે જિલ્લા પરિષદ શાળાઓ દ્વારા આપવામાં આવતા પાઠયપુસ્તકો લઈને સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી બાળકો જુદા જુદા જૂથોમાં આવે છે.
એક વિદ્યાર્થી તેમના હાથના ઉપરના ભાગ પર વેલ્ક્રો સ્ટ્રેપ (પટ્ટા) ની મદદથી ચાક બાંધવામાં કરવામાં મદદ કરે છે ત્યારે પ્રતિભા કહે છે, “ઓપરેશન થયું ત્યારથી એકેએક નાનું નાનું કામ પૂરું કરવામાં વધુ સમય લાગે છે. આનાથી લખવામાં પણ મુશ્કેલી પડે છે."
ગયા વર્ષ સુધી તો વારલી આદિવાસી સમુદાયના પ્રતિભા હિલિમ સ્થાનિક જિલ્લા પરિષદ (ઝેડપી) શાળાઓમાં 28 વર્ષથી ભણાવતા હતા. 20 વર્ષની ઉંમરે લગ્ન થયા પછી તેઓ કર્હેથી 100 કિલોમીટર દૂર ભિવંડી શહેરમાં રહેવા ગયા. તેમના પતિ પાંડુરંગ હિલિમ ત્યાં કામ કરતા હતા - 50 વર્ષના પાંડુરંગ હિલિમ હાલ રાજ્યની સિંચાઈ કચેરીમાં સિનિયર કારકુન છે. 2015 માં નજીકના થાણે જિલ્લાના કાલવા શહેરમાં પાંડુરંગની બદલી થઈ ત્યારે પણ પ્રતિભાએ ભણવાનું ચાલુ રાખ્યું. એ માટે તેઓ કાલવાથી ભિવંડી નિયમિતપણે આવ-જા કરતા.
તે પછી ભિવંડીમાં નવી ઝેડપી શાળામાં કામ કરવાનું શરૂ કર્યા પછી તેઓ સામાન્ય રીતે મહિને એક વાર કર્હેમાં હિલિમ પરિવારને ઘેર આવતા. જૂન 2019માં આવી એક મુલાકાત વખતે જ તેમની મુશ્કેલીઓની શરૂઆત થઈ. એ મહિને 50 વર્ષના પ્રતિભાને ગેંગ્રીન, એક એવી સ્થિતિ જે શરીરની પેશીઓ મરી જાય ત્યારે ઊભી થાય છે, હોવાનું નિદાન થયું હતું. સામાન્ય રીતે કોઈ અંતર્ગત બિમારી, ઈજા અથવા ચેપને કારણે લોહીનો પુરવઠો ન મળે ત્યારે ગેંગ્રીન થાય છે.
તે પછી થોડા વખતમાં જ તેમના કોણીથી નીચેના બંને હાથ અને ઢીંચણથી નીચેના બંને પગ કાપી નાખવા પડ્યા.








