“જો હું મૃત્યુ પામીશ તો વાંધો નથી, પણ આપણને બિલ પોસાય એમ નથી,” હરિશ્ચંદ્ર ઢાવરેએ તેમના મૃત્યુના બે દિવસ પહેલાં તેમની પત્ની જયશ્રી ને કહ્યું હતું. આ ૪૮ વર્ષીય પત્રકારની તબિયત કોવીડ-૧૯ ના લીધે વણસી હતી અને તેમને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા.
એ વખતે પણ, તેમને તેમના જીવનની ચિંતા નહોતી. પણ હોસ્પિટલ બિલોની ચિંતા હતી. “તેઓ મારી સાથે લડ્યા હતા અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. તેઓ ઘરે જવાનો આગ્રહ કરતા હતા,” ૩૮ વર્ષીય જયશ્રી યાદ કરે છે.
માર્ચ ૨૦૨૧માં જ્યારે હરિશ્ચંદ્ર કોરોના વાયરસથી સંક્રમિત ત્યારે પત્રકાર તરીકે વિતાવેલા ૨૦ વર્ષ કંઈ કામમાં આવ્યા નહીં. ઉલટું, તેમના કામના લીધે તેમનું જોખમ વધી ગયું.
૨૦૦૧ની શરૂઆતથી મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં, વિવિધ સમાચારપત્રો માટે કામ કરી રહેલા પત્રકાર હરિશ્ચંદ્રની છેલ્લી નોકરી મરાઠી દૈનિક રાજધર્મમાં હતી. “તે કોવીડ-૧૯ની બીજી લહેર વિષે પત્રકારિતા કરી રહ્યા હતા. તેમણે ઘણી પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને મોટેભાગે બહાર જ રહેતા હતા,” જયશ્રી કહે છે. “તે જ્યારે બહાર જતા ત્યારે અમને ચિંતા રહેતી હતી. તેમને ડાયાબિટીસ અને બી.પી.(બ્લડ પ્રેશર)ની બીમારી હતી. પણ તેઓ કહેતા હતા કે તેમણે કામ તો કરવું જ પડશે.”
૨૨ માર્ચે, ઢાવરેને કોવીડના લક્ષણ – શરીરમાં દુખાવો અને તાવ – દેખાવા લાગ્યા. “જ્યારે તેમની તબિયતમાં સુધારો ના આવ્યો, અમે તેમને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા,” જયશ્રી કહે છે. તે પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા પછી દાખલ કરવામાં આવ્યા. “ત્યાં સુવિધા સારી નહોતી અને તેમની તબિયતમાં સુધારો પણ સંતોષકારક નહોતો,” જયશ્રી ઉમેરે છે. તેથી ૩૧ માર્ચે, પરિવારે તેમને ૬૦ કિલોમીટર દૂર સોલાપુર સ્થિત ખાનગી હોસ્પિટલમાં તબદીલ કરવાનું નક્કી કર્યું.
ત્યાં ૬ દિવસ પસાર કરીને, ઢાવરે ૬ એપ્રિલની સવારે મૃત્યુ પામ્યા.









