પાંચ દિવસ, ૨૦૦ કિલોમીટર, અને ૨૭,૦૦૦ રૂપિયા માં સમાઈ જાય છે મહારાષ્ટ્રના બીડ જિલ્લા ના રવિ બોબડેની રેમડેસીવીર ની બેબાકળી શોધ.
આ વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એમના માં-બાપને કોવિડ-૧૯ના લક્ષણ દેખાવા લાગ્યા એટલે દોડધામની શરૂઆત થઇ. ૨૫ વર્ષીય રવિ, બીડના ‘હરકી નિમગાંવ’માં આવેલી તેમની સાત એકર જમીનમાં ચાલતા-ચાલતા યાદ કરે છે, “બંનેને ખુબજ ઉધરસ આવવા લાગી, શ્વાસ લેવામાં પણ તકલીફ પડી અને છાતીમાં દુઃખાવો શરૂ થઇ ગયો. આથી, હું એમને નજીકની એક હોસ્પિટલમાં લઇ ગયો.”
ડોકટરે તરત જ રેમડેસિવિર લખી દીધી. આ એન્ટીવાઈરલ દવાનો ઉપયોગ કોવિડ-૧૯ના ઈલાજમાં કરવામાં આવતો હતો અને બીડ જિલ્લામાં તેની તંગી હતી. રવિ કહે છે, “હું પાંચ દિવસો સુધી આમતેમ દોડતો રહ્યો. સમય પણ ઓછો હતો અને શું કરવું એ મને સમજાતું નહોતું. આથી મેં એક એમ્બ્યુલન્સ ભાડે લીધી અને મારા માં-બાપને સોલાપુરની એક હોસ્પિટલમાં દાખલ કર્યા.” રવિ આખી યાત્રા દરમિયાન ચિંતાતુર હતા. તેઓ કહે છે, “હું એમ્બ્યુલન્સમાં વિતાવેલા એ ચાર કલાક ક્યારેય ભૂલીશ નહીં.”
તેમના ૫૫ વર્ષીય પિતા અર્જુન અને ૪૮ વર્ષીય માં ગીતાને માંજલગાંવ તાલુકામાં આવેલા એમના ગામથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર સોલાપુર લઇ જવા માટે એમ્બ્યુલન્સ ચાલકે ૨૭,૦૦૦ રૂપિયા લીધા. રવિ કહે છે, “મારા એક દૂરના સંબંધી છે, જે સોલાપુરમાં ડોક્ટર છે. એમણે મને કહ્યું હતું કે તેઓ ઈન્જેકશનનો બંદોબસ્ત કરી દેશે. આ દવા મેળવવા માટે આખા બીડ જિલ્લામાં લોકો સંઘર્ષ કરી રહ્યા હતા.”
રેમડેસિવિર, જેને મૂળરૂપે ઇબોલાની સારવાર માટે વિકસાવવામાં આવી હતી, તે મહામારીના શરૂઆતના દિવસોમાં હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓ પર અસરકારક જોવામાં આવી હતી. જો કે, નવેમ્બર ૨૦૨૦માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ રેમડેસિવિરનો ઉપયોગ કરવા સામે “શરતી ભલામણ” કરી હતી. ડબલ્યુ.એચ.ઓ. એ કહ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની બિમારીની તીવ્રતા ગમે તેટલી હોય તો પણ આ દવા ઇમ્યુનિટી વધારવામાં કે અન્ય પરિણામોમાં અસરકારક સાબિત નથી.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મહારાષ્ટ્ર શાખાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર અવિનાશ ભોંડવે કહે છે કે આ એન્ટીવાઈરલ દવા સારવાર માર્ગદર્શિકામાં શામેલ કરવામાં આવી નથી, પણ તેની ઉપર પ્રતિબંધ પણ નથી લગાવ્યો. તેઓ કહે છે, “રેમડેસિવિરનો ઉપયોગ પહેલા કોરોનાવાયરસ ઇન્ફેકશનની [SARS-CoV-1] સારવારમાં કરવામાં આવ્યો હતો, અને તે અસરકારક સાબિત થઇ હતી; આથી અમે નવા કોરોના વાયરસનું [SARS-CoV-2 or Covid-19] ભારતમાં સંક્રમણ ફેલાયું એટલે આનો ઉપયોગ કરવાનું શરુ કર્યું.”









