૨૬ મે એ સુંદરવનના મૌસુની દ્વિપમાં ઉઠેલી ઉંચી લહેરોમાં પોતાનું ઘર ગુમાવનારા ખેડૂત અઝહર ખાન કહે છે, “ઈશ્વર અમને આવી રીતે ટુકડે-ટુકડે મારવાને બદલે એક જ ઘામાં મારી દેતો તો સારું થતું.”
બંગાળની ખાડીમાં એ ભરતીની બપોર દરમિયાન આવેલા તોફાનમાં મુરીગંગા નદીમાં હંમેશ કરતાં ૧-૨ મીટર ઉંચી લહેરો ઉઠી. પાણી નદી પર બાંધેલા બંધ તોડીને દ્વીપના નીચાણવાળા ભાગમાં પહોંચી જવાથી પૂર આવ્યું, જેનાથી ઘરો અને ખેતરોમાં ભારે નુકસાન પહોંચ્યું.
‘યાસ’ ચક્રવાતના લીધે ૨૬ મેની બપોર પહેલા, મૌસુનીની દક્ષીણ-પશ્ચિમ દિશામાં લગભગ ૬૫ નોટીકલ (દરિયાઇ) માઈલ દુર, ઓડીશાના બાલાસોર નજીક ભયંકર તોફાન આવ્યું. આ તોફાન ખુબ ભયાનક હતુ, જેની ઝડપ ૧૩૦-૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક હતી.
બગદંગા મૌઝા (ગામ)ના માજુરા બીબી કહે છે, “જ્યારે અમે તોફાન આવતું જોયું, ત્યારે તો વિચાર્યું કે અમારી પાસે પોતાનો સમાન સલામત જગ્યાએ લઇ જવા માટે હજુ સમય છે, પરંતુ પાણી ખુબ ઝડપથી ગામમાં આવી ગયું. અમે અમારો જીવ બચાવવા માટે તો દોડ્યા, પણ અમારો સામાન બચાવી શક્યા નહીં. અમારામાંથી કેટલાક લોકો જીવ બચાવવા માટે ઝાડ પર ચઢી ગયા.” માજુરા બીબી મૌસુનીથી પશ્ચિમ દિશામાં મુરીગંગા પર બનેલ બંધની નજીક રહે છે.
દ્વીપના ચાર ગામ - બગદંગા, બલીયારા, કુસુમતલા, અને મૌસુની - માં જતી હોડીઓ નિરંતર આવતા વરસાદ ને લીધે બંધ કરવામાં આવી હતી. જ્યારે હું ૨૯ મેની સવારે મૌસુની પહોંચ્યો, તો એનો મોટોભાગ પાણીમાં ડૂબેલો હતો.
હું બગદંગાના આશ્રયસ્થાનમાં અભિલાષ સરદારને મળ્યો, જેમણે મને કહ્યું કે “મારી જમીન ખારા પાણીમાં ડૂબેલી છે. અમે ખેડૂતોએ પોતાની આજીવિકા ખોઈ દીધી છે. હું મારી જમીન પર હવે આવનારા ત્રણ વર્ષ સુધી ખેતી કરી શકીશ નહીં. આને ફરીથી ઉપજાઉ બનાવવામાં લગભગ ૭ વર્ષ પણ થઇ શકે છે.”




















