“મારા પરિવારે એક એવું ઘર શોધ્યું, જેમાં એક અલગ પ્રવેશદ્વાર વાળો એક અલાયદો રૂમ હતો, જેથી હું બીજાથી અલગ રહી શકું,” એસએન ગોપાલા દેવી કહે છે. આ મે ૨૦૨૦ની વાત છે, જ્યારે કેટલાક પરિવારોએ પહેલી વાર નક્કી કર્યું કે તેઓ પોતાના પરિવારના બીજા સભ્યોને બચાવવા આ રીતના વધુ સાવચેતીના પગલા ઉઠાવશે – સાથે સાથે વધુ જોખમ વાળા વ્યવસાયમાં રોકાયેલા પોતાના પરિવારના સભ્યો પરનો બોજો પણ ઓછો કરશે.
પચાસ વર્ષના ગોપાલા દેવી એક નર્સ છે. તેમની પાસે ઉચ્ચ કક્ષાની તાલીમ અને ૨૯ વર્ષનો અનુભવ છે. તેમણે કોરોના વાઈરસ મહામારી દરમ્યાન ચેન્નાઈના રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલના કોવિડવોર્ડમાં કામ કરવામાં ઘણો સમય વિતાવ્યો છે. આ સિવાય તેમણે થોડા સમય માટે આ શહેરની નજીક આવેલ પુલીયંથોપના એક વિશેષ કોવિડદેખભાળ કેન્દ્રનો હવાલો સંભાળ્યો હતો.
હવે, લોકડાઉનને તબક્કાવાર રીતે ઉઠાવવામાં આવી રહ્યું છે અને મોટા ભાગની પ્રવૃત્તિઓ ધીમે-ધીમે સામાન્ય થવા લાગી છે, તેમ છતાં ગોપાલા દેવીએ કોવિડ-૧૯વોર્ડમાં કામ કરતી વેળાએ ઘણી વખત ક્વોરૅન્ટીનમાં સમય પસાર કરવો પડશે. “મારા માટે, લોકડાઉન ચાલુ જ છે,” તેઓ હસતા-હસતા કહે છે. “નર્સો માટે, આ ક્યારેય પૂરું નથી થવાનું.”
જેમ કે ઘણી નર્સોએ આ પત્રકારને કહ્યું: “અમારે તો કાયમનું લૉકડાઉન ને કાયમનું કામ.”
“સપ્ટેમ્બરમાં મારી દીકરીના લગ્ન હતા અને મેં એના એક દિવસ પહેલાં રજા લીધી હતી,” ગોપાલા દેવી કહે છે. “મારા પતિ ઉદય કુમારે લગ્નની બધી જવાબદારી પોતાના ખભે લઇ લીધી હતી.” કુમાર ચેન્નાઈની જ એક બીજી હોસ્પિટલ, શંકર નેત્રાલયના એકાઉન્ટ્સ વિભાગમાં કામ કરે છે. અને, તેઓ કહે છે, “તેઓ મારા વ્યવસાયની મજબૂરીઓ સમજે છે.”
એ જ હોસ્પિટલમાં ૩૯ વર્ષીય તમીઝ સેલ્વી પણ કામ કરે છે, જેમણે કોવિડવોર્ડમાં – કોઈ પણ રજા લીધા વિના – પોતાના કામના લીધે એવોર્ડ જીત્યો છે. “ક્વોરૅન્ટીનના દિવસો છોડીને, મેં ક્યારેય પણ રજા ભોગવી નહોતી. રજાના દિવસે પણ હું કામ કરતી હતી કેમ કે હું પરિસ્થિતિની ગંભીરતા સમજુ છું.”
“પોતાના નાના દીકરા શાઈન ઓલીવરને ઘણાં દિવસો સુધી એકલો છોડી દેવાનું દુઃખ પણ મોટું છે. ક્યારેક-ક્યારેક હું મારી જાતને દોષિત ઘણું છું, પરંતુ મને લાગે છે કે આ મહામારીમાં એ મહત્વપૂર્ણ છે કે આપણે તૈયાર રહીએ. જ્યારે મને ખબર પડે કે અમારા દર્દીઓ પોતાના પરિવાર પાસે પરત ફરી રહ્યાં છે, તો એ સમયે જે ખુશી મને મળે છે એ અમારા માટે બધી તકલીફો દૂર કરી દે છે. પરંતુ મારા પતિ જે અમારા ૧૪ વર્ષીય દીકરાની સારી દેખભાળ કરે છે, અને મારી ભૂમિકા ને પણ સમજે છે, એમના વિના આ શક્ય નોહ્તું.”











