સોમવારે સવારે સદર શહેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખૂલતાંની સાથે જ સુનિતા દત્તા તેમના પતિ સાથે ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ સહાયક નર્સ મિડવાઇફ (એએનએમ-ઑક્સિલીઅરી નર્સ મિડવાઈફ) સુનિતાને પ્રસૂતિ વોર્ડમાં લઈ ગયા પછી થોડી વારમાં જ દંપતી ત્યાંથી ચાલ્યું ગયું. જે રિક્ષામાં આવ્યા હતા તે જ રિક્ષામાં પાછા બેસતા સુનિતાએ કહ્યું, “ઈસમેં કૈસે હોગા બચ્ચા, બહુત ગંદગી હૈ ઈધર [હું અહીં પ્રસૂતિ શી રીતે કરાવી શકું, અહીં બહુ ગંદકી છે]."
તેમની રિક્ષા ત્યાંથી નીકળતી હતી ત્યારે તેમના પતિ અમર દત્તાએ કહ્યું કે, "આજે સુનિતાની પ્રસૂતિની સંભવિત તારીખ છે - એટલે હવે અમારે ખાનગી હોસ્પિટલમાં જવું પડશે." સુનિતાએ તેના ત્રીજા બાળકને આ જ પીએચસીમાં જન્મ આપ્યો હતો. પરંતુ આ વખતે તેમના ચોથા બાળક માટે તેમણે બીજે જવાનું પસંદ કર્યું છે.
સવારે 11 વાગ્યે સદર પીએચસીના લેબરરૂમમાં લોહીના ડાઘાવાળી જમીન સાફ કરવા સફાઈ કામદારના આવવાની રાહ જોવાઈ રહી છે. આગલે દિવસે કરાવાયેલી પ્રસૂતિને કારણે આ લેબરરૂમ હજી ગંદો છે.
43 વર્ષના પુષ્પા દેવી (નામ બદલ્યું છે) કહે છે, “હું મારા પતિની રાહ જોઈ રહી છું. તેઓ મને લેવા આવવાના છે. આજનો મારી ફરજનો સમય પૂરો થઈ ગયો છે. મારી રાતપાળી હતી અને કોઈ દર્દીઓ નહોતા, પણ મચ્છરને કારણે હું મટકું ય મારી શકી નથી.” પુષ્પા બિહારના દરભંગા જિલ્લાના સદર શહેરમાં પીએચસીમાં એએનએમ તરીકે ફરજ બજાવે છે. તેઓ કાર્યાલયમાં ફરજ પરના એએનએમ માટેની ખુરશી પર બેસીને અમારી સાથે વાત કરે છે. ખુરશી પાછળ એક ટેબલ છે જેના પર કેટલાક કાગળો વેરવિખેર પડેલા છે અને એક લાકડાનો ખાટલો છે. તે જ ખાટલા પર ઊંઘવાનો નિરર્થક પ્રયાસ કરતા પુષ્પાએ મુશ્કેલીમાં રાત પસાર કરી હતી.
જે ક્યારેક ક્રીમ-રંગની હતી તે, ઝાંખી પડી ગયેલી મચ્છરદાની ખાટલા ઉપર લટકાવેલી છે. તેમાં મચ્છરો સહેલાઈથી ઘુસી શકે એટલા મોટા કાણાં છે. આગલી રાત પાળીમાં એએનએમએ ઉપયોગમાં લેવા - ખાટલા નીચે ગડી વાળીને પથારી એક બાજુએ મૂકેલી છે અને સાથે એક ઓશીકું છે.







