દક્ષિણ મુંબઈમાં ભુલેશ્વરની સાંકડી ગલીઓમાં રહેતા મંઝુર આલમ શેખ દરરોજ સવારે ૫ વાગે ઊઠીને કામે લાગી જાય છે. મંઝુર ઊંચા બાંધાના છે અને મોટેભાગે લુંગી પહેરે છે. તેઓ તેમની ભાડે લીધેલી ૫૫૦ લિટરની ધાતુની હાથગાડીને પાણીથી ભરવા માટે કોવાસજી પટેલ ટાંકી સુધી ધકેલીને લઇ જાય છે. તેઓ મિર્ઝા ગાલિબ માર્કેટ પાસે દૂધ બજાર વિસ્તારમાં જાહેર શૌચાલયના એક ખૂણા પાસે ખુલ્લામાં રહે છે, ત્યાંથી આ વિસ્તાર લગભગ એક કિલોમીટર દૂર છે. તેઓ તેમની હાથગાડી લઈને દૂધબજાર પાછા આવે છે, એક જગ્યાએ તેને પાર્ક કરીને નજીકની દુકાનો અને ઘરોમાં તેમના ગ્રાહકોને પાણી પહોંચાડવાનું શરૂ કરે છે.
૫૦ વર્ષીય મંઝુર છેલ્લા બાકી રહેલા ભિસ્તીઓમાંના એક છે, જેઓ આ કામ કરીને આજીવિકા મેળવે છે. તેઓ લગભગ ત્રણ દાયકાથી મુંબઈના ઐતિહાસિક આંતરિક શહેરના આ ભાગમાં રહેવાસીઓને પીવા માટે, સફાઈ માટે અને ધોવા માટે પાણી પૂરું પાડે છે. જ્યાં સુધી કોવિડ-૧૯ મહામારીના લીધે ભિસ્તીઓના વ્યવસાયમાં વિક્ષેપ પડ્યો ન હતો, ત્યાં સુધી, મંઝુર ભુલેશ્વરના એવા કેટલાક મશકવાળાઓમાંના એક હતા જેઓ લગભગ ૩૦ લિટર પાણી વહન કરવા માટે રચાયેલ ચામડાની થેલીમાં (જેને‘મશક’તરીકે પણ ઓળખવામાં આવે છે)ભરીને પાણી વેચતા હતા.
પરંતુ મંઝુર કહે છે, મશકમાંથી પાણી પૂરું પાડવાની પરંપરા “હવે ખતમ થઇ ગઈ છે.” મંઝુરે પણ ૨૦૨૧માં મશક છોડીને પ્લાસ્ટિકની ડોલ અપનાવી લીધી હતી. તેઓ કહે છે, “જૂના ભિસ્તીઓએ હવે તેમના ગામડે પાછા જવું પડશે અને નવી પેઢીએ કંઈ નવી નોકરી શોધવી પડશે.”ભિસ્તીઓનું કામ એ ઉત્તર ભારતમાં મુસલમાન ભિસ્તી સમુદાયના પરંપરાગત વ્યવસાયનો અવશેષ છે.‘ભિસ્તી’શબ્દ ફારસી મૂળનો છે અને તેનો અર્થ‘પાણીનો વાહક’ થાય છે. આ સમુદાયને સક્કા નામથી પણ ઓળખવામાં આવે છે, જેનો અરબીમાં અર્થ થાય છે ‘પાણીનો વાહક’કે‘કપ બેરર’. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં (જ્યાં આ સમુદાય પખાલી તરીકે ઓળખાય છે) માં ભિસ્તી સમુદાયને અન્ય પછાત વર્ગ (ઓબીસી) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

























