ઑક્ટોબર મહિનાની બપોરનો સમય છે. મિઝોરમના હ્મુઈફાંગમાં, વાદળોથી ઘેરાયેલા પર્વતની ટોચ પર આવેલા જંગલમાંથી ભલે સૂર્યનાં કિરણો ડોકિયાં કરતાં હતાં, છતાં સદાબહાર વૃક્ષોની ઘટાઓને કારણે વાતાવરણમાં એક પ્રકારની ઠંડક અને ગહન શાંતિ પ્રસરેલી હતી. જંગલ જાણે મૌનની ચાદર ઓઢીને બેઠું હતું—માત્ર પક્ષીઓનો કલરવ અને લાકડાં કાપનારાના કુહાડીના ઘાનો એકધારો અવાજ એ શાંતિમાં લય ભેળવી રહ્યો હતો.
તેઓ પોતાના કામમાં મગ્ન થઈને, કમરમાંથી વાંકાં વળેલાં છે, અને તેમની આસપાસ લાકડાંનો એક નાનો ઢગલો પહેલેથી જ ગોઠવાયેલો છે. 65 વર્ષીય લાલઝુઇલિયાની, અથવા લોકો તેમને ઝુઇલિયાની કહીને બોલાવે છે. તેઓ નજીકના હ્મુઈફાંગ ગામમાં આવેલા પોતાના ઘર માટે લાકડાં ભેગાં કરવામાં વ્યસ્ત છે. તેમના પગ પાસે મૉલ (એક પ્રકારની કુહાડી) પડેલી છે. એ કુહાડીના લાંબા લાકડાના હાથા પર વપરાશને કારણે એક પ્રકારની લીસી ચમક આવી ગઈ છે, અને તેના છેડે લોખંડનું વજનદાર અને ધારદાર પાનું જડેલું છે. તેનાથી તેમણે બટલાંગકેન (ક્રોટન) ના ઝાડના લાકડાના 3 થી 4.5 ફૂટ લાંબા ટુકડા ફટાફટ ચીરી નાખ્યા હતા. ભેગાં કરેલાં લાકડાં, જે હજુ પૂરેપૂરા સૂકાયા નથી, તેનું વજન લગભગ 30 કિલોગ્રામ છે.
જ્યારે તેઓ લાકડાંને ઘેર લઈ જવા માટે તૈયાર કરે છે, ત્યારે તેમના હાથમાં રહેલો દાઓ (એક પ્રકારનો છરો) જાણે હવામાં વીંઝાતો હોય તેમ અત્યંત કુશળતા અને સહજતાથી ફરે છે. આ કામમાં જે સહજતા દેખાય છે, તે વર્ષોના રોજિંદા મહાવરા વગર આવવી અશક્ય છે.











