ભીડથી ઊભરાતા આનંદ વિહાર રેલવે સ્ટેશન પર, સોનુ કુમાર રાવત અને તેમના પરિવારે એક શાંત ખૂણો શોધી કાઢ્યો છે. તેમની આસપાસ આવતા-જતા મુસાફરો, ફેરિયાઓ અને ટ્રેનોની સતત અવરજવર ચાલુ છે. 27 વર્ષીય સોનુ પોતાના સામાન પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમનાં પત્ની સિતારા ખાતૂન, તેમના ખોળામાં તેમના નાનકડા બાળકને તેડેલું છે. બપોરના 2 વાગી ચૂક્યા છે અને તેમને બિહાર લઈ જતી લિચ્છવી એક્સપ્રેસ પકડવા માટે હજુ ચાર કલાક આ અસહ્ય ગરમીમાં આ ગીચ પ્લેટફોર્મ પર રાહ જોવાની છે.
સોનુ કડિયાકામ કરે છે અને સિતારા બાંધકામની જગ્યાઓ પર મજૂરી કરે છે. બંને રોજ સવારે કામ શોધવા માટે ગાઝિયાબાદની લેબર મંડીઓમાં ઊભા રહે છે. સોનુ કહે છે, “છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી, અમે આખા દિવસ લેબર ચોક પર જ વિતાવ્યા હતા. બે-ત્રણ દિવસ તો એવા ગયા હતા કે અમને બિલકુલ કામ જ નહોતું મળ્યું.”
અમેરિકા દ્વારા ઈરાન સામે યુદ્ધની જાહેરાત કરાયા પછી હોર્મુઝની સામુદ્રધુનીની નાકાબંધી કરવામાં આવતાં દેશભરમાં LPGના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારથી રાવત પરિવાર માટે દિલ્હીમાં રહેવું આર્થિક રીતે અશક્ય બની ગયું છે.
સોનુ કહે છે, “પહેલાં, અમે ગેસ સિલિન્ડર માટે 1,200 રૂપિયા, ભાડા માટે 2,500 રૂપિયા અને વીજળી માટે 500 રૂપિયા ખર્ચતાં હતાં. એટલે કે ખાવા-પીવાનો ખર્ચ ગણ્યા વગર જ મહિનાના 4,000 થી 5,000 રૂપિયા આમ જ ખર્ચ થઈ જતા.” જીવન જરૂરિયાતની મૂળભૂત વસ્તુઓ પણ ખરીદી ન શકવાને કારણે, તેમની પાસે ગામ પાછા ફરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી.
પણ તેમના પાછા ફરવામાં એક મોટો ડર અને ગભરામણ પણ છે – આ આંતરધર્મીય યુગલ લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગયું હતું. તેઓ એક વર્ષથી પણ ઓછા સમય પહેલાં, એક નવી ઓળખ અને કામની શોધમાં રાજધાની દિલ્હી આવ્યાં હતાં. હવે, તેમને પરત ફરવાની ફરજ પડી છે. તેઓ સિવાન જિલ્લાના મૈરવામાં આવેલા સિતારાના ઘરે જશે, અને ત્યાં કદાચ સારો આવકાર મળશે એવી આશા રાખી રહ્યાં છે.
દિલ્હીમાં, આ પરિવાર કાનાવાની ગામના વિસ્તરણ વિસ્તારની એક ઝૂંપડપટ્ટીમાં એક જ ઓરડીમાં રહે છે. સોનુ આગળ કહે છે, “મહિનામાં માંડ 20 દિવસ કામ મળે છે.” તેઓ નિસાસો નાખીને કહે છે, “સારા મહિનામાં, અમે બંને જણ 10,000-10,000 રૂપિયા કમાઈ લેતાં હતાં.” અને પછી તેઓ સમજાવે છે કે કેવી રીતે LPGના સંકટે તેમના ઘરખર્ચનું બધું ગણિત ઊંધું વાળી દીધું છે.






