હાથસાળના ઓરડાએ
બન્યા શબઘર જાણે
આ તે કેવી કાયા પલટ
અહો! અકથ્ય વેદના ભારી!
(વણકર પરિવારમાંથી આવતા ડૉ. યુ. રાધેયા દ્વારા લખાયેલ મહાકાવ્ય ‘મગ્ગમ બથુકુ’ માંથી; ડૉ. પી. રમેશ નારાયણે આનો અનુવાદ કર્યો છે)



હાથસાળના ઓરડાએ
બન્યા શબઘર જાણે
આ તે કેવી કાયા પલટ
અહો! અકથ્ય વેદના ભારી!
(વણકર પરિવારમાંથી આવતા ડૉ. યુ. રાધેયા દ્વારા લખાયેલ મહાકાવ્ય ‘મગ્ગમ બથુકુ’ માંથી; ડૉ. પી. રમેશ નારાયણે આનો અનુવાદ કર્યો છે)
જો કોઈ બીજો જમાનો હોત, તો રેશમી સાડીઓ વણવાનો શંકર ધનંજયનો શોખ અને વિવિધ પ્રકારની હેન્ડલૂમ પરની તેમની હથોટીએ તેમને માન-સન્માન, મોભો અને સારું જીવન અપાવ્યું હોત.
પરંતુ ધનંજયનો જન્મ 1981માં થયો હતો, અને જ્યારે તેઓ 18 વર્ષના થયા ત્યારે હેન્ડલૂમ ઉદ્યોગની પડતી શરૂ થઈ ચૂકી હતી. અને 2016માં જ્યારે તેઓ 35 વર્ષના થયા, ત્યારે સરકારની નુકસાનકારક નીતિઓ વચ્ચે વધતા જતા દેવા અને તૂટતા સપનાઓએ તેમને જીવન ટૂંકાવવા મજબૂર કરી દીધા.

Rahul M.
ધનંજયનો જન્મ આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના ધર્માવરમ શહેરમાં થયો હતો. 19મી સદીમાં પણ આ શહેર તેની પટ્ટુ ચીરા (રેશમી સાડીઓ) માટે જાણીતું હતું. વણકર તરીકે સ્થાયી થવા માટે અહીં બહારથી ઘણા લોકો આવતા હતા. તેમાં ધનંજયનાં માતા-પિતા, શંકર વેંકટપ્પા અને શંકર વેંકટલક્ષ્મી પણ હતાં, જેઓ અનંતપુરના મરલા ગામમાં ખેત-મજૂરી છોડીને ધર્માવરમ રહેવા આવી ગયાં હતાં.
ધનંજયના બાળપણમાં, વણાટકામ સૌથી પ્રતિષ્ઠિત વ્યવસાયોમાંનો એક ગણાતો. ધર્માવરમના એક વણકર, પોલા રમનજનેયુલુ યાદ કરે છે, “દરેક પ્રસંગો અને તહેવારોમાં વણકરોને આગળની હરોળમાં બેસાડવામાં આવતા.” 64 વર્ષીય રમનજનેયુલુ આંધ્ર પ્રદેશ ચેનેતા કર્મિકા સંઘમના પ્રમુખ છે. “અન્ય તમામ જ્ઞાતિના લોકો અમને માન આપતા કારણ કે અમે દરેકને વણાટકામ શીખવતા હતા.”
વણકરોને કલાકાર માનવામાં આવતા, અને શાળાનું ભણતર ગૌણ હતું. ધનંજયનાં સાસુ અને નિવૃત્ત વણકર ગદ્દમ ચૌદમ્મા કહે છે, “ભણવાનો તો પ્રશ્ન જ નહોતો. અમે બહુ ઓછું ભણતાં. બસ હેન્ડલૂમ માટે રેશમ ખરીદવા કે મુખ્ય વણકરને હિસાબ-કિતાબમાં મદદ કરવા પૂરતું જ ભણતાં હતાં.”
વણાટકામ શીખવા માટે ધનંજયે ધોરણ 7 માંથી જ શાળા છોડી દીધી હતી. કુદરતી કળા હોવાથી તેઓ બહુ ઝડપથી શીખી ગયા. પરંતુ ત્યાં સુધીમાં તો હેન્ડલૂમ ક્ષેત્રની પડતીને એક દાયકો થઈ ગયો હતો.
1980ના દાયકાની શરૂઆત સુધી, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય હેન્ડલૂમને એક અલગ અને અગ્રતા ધરાવતા ક્ષેત્ર તરીકે જોતું હતું. કડક કાયદા હતા અને પાવરલૂમ્સ પર ભારે નિયંત્રણો હતાં. સરકારમાં ઘણા લોકો માનતા હતા કે હેન્ડલૂમ ઉદ્યોગ સ્વતંત્ર ભારતમાં બેરોજગારીનો મોટો હિસ્સો ઉકેલવામાં મદદ કરે છે.

Rahul M.
1985ના હેન્ડલૂમ્સ (ઉત્પાદન માટેની ચીજવસ્તુઓનું આરક્ષણ) એક્ટ સાથે, કાપડના ઔદ્યોગિક ઉત્પાદન પરના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યાં, જોકે કેટલીક ચીજવસ્તુઓ અનામત રાખવામાં આવી હતી. પરંતુ આ નિયમો પણ ધીરે ધીરે હળવા થતા ગયા અને 1990ના દાયકા સુધીમાં આ કાયદા હેઠળ સુરક્ષિત 22 હેન્ડલૂમ ઉત્પાદનોની યાદી ઘટીને 11 થઈ ગઈ. હેન્ડલૂમ ઉદ્યોગ કાપડ મંત્રાલય હેઠળ ગયો, જે પાવરલૂમ્સ અને ટેક્સટાઈલ મિલોનું પણ સંચાલન કરતું હતું. હેન્ડલૂમને પ્રાધાન્ય આપતી નીતિને બદલે, મંત્રાલયે આ ક્ષેત્રને પાવરલૂમ્સની સમકક્ષ ગણવાનું શરૂ કર્યું.
1985માં ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલીમાં પ્રકાશિત ‘1985 ટેક્સટાઈલ પોલિસી – એન્ડ ઓફ હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રી’ નામના લેખમાં, પ્લાનિંગ કમિશનના ભૂતપૂર્વ સભ્ય એલ. સી. જૈને લખ્યું હતું: “તેમણે [પાવરલૂમ અને મિલ લોબી] આ [નીતિમાં ફેરફારો] ને ‘આશા’ અને ભૂતકાળથી અલગ એક ‘સાહસિક’ પગલા તરીકે આવકાર્યા છે. ખરેખર તો, આઝાદીની લડતમાં મૂળ ધરાવતી અને ગાંધીજી તેમજ રાજાજી દ્વારા સિંચાયેલી, તેમજ અગાઉની પંચવર્ષીય યોજનાઓમાં સ્વીકૃત ભારતની સામાજિક-આર્થિક વાસ્તવિકતાઓ સાથે જોડાયેલી કાપડ નીતિને ઉલટાવવા માટે ખરેખર સાહસની જરૂર હતી, જો આપણે તેને સદ્ગુણ માનતા હોઈએ તો.”

Rahul M.
1996ની આસપાસ, 15 વર્ષના ધનંજય ધર્માવરમથી 50 કિલોમીટર દૂર સોમંદેપલ્લી ગામે લાટુ મગ્ગમ એટલે કે પીટ-લૂમ શીખવા ગયા. પીટ-લૂમ હેન્ડલૂમ કરતાં વધુ કાર્યક્ષમ હતી, પરંતુ તેમાં શારીરિક શ્રમ પણ ખૂબ પડતો. ધનંજય આ શાળ વણીને પ્રગતિ કરવા માંગતા હતા.
તેમના ભાઈ કુમાર, જે તેમનાથી નવ વર્ષ નાના હતા, તેમને વણાટકામનો એટલો શોખ નહોતો. તેઓ કહે છે, “અમને બીજું કઈ આવડતું નથી. અમારા વડીલોએ અમને માત્ર આ જ વ્યવસાય શીખવ્યો છે.” વણકર તરીકેની તાલીમ પૂરી કર્યા પછી, કુમાર મદદ માટે ધનંજય પાસે જતા. તેઓ આગળ કહે છે, “તેઓ ખૂબ જ હોશિયાર હતા અને બધી તકનીકો અને ડિઝાઇનો જાણતા હતા.”

Rahul M.
ધનંજય માટે પડતીની શરૂઆત ધીમી હતી. 2005માં, જ્યારે તેમના લગ્ન થયા, ત્યારે તેમને વારસામાં તેમના પિતાએ લગ્ન માટે લીધેલી 30,000 રૂપિયાની લોન મળી. આમ છતાં વણાટકામ કરવાની અને સારું કમાવવાની ધનંજયની ઇચ્છાશક્તિ ડગી નહીં.
પરંતુ 1990ના દાયકાના અંત સુધીમાં, ધર્માવરમની આસપાસના ગામોમાં પાવરલૂમ્સ ઘૂસી ગયા હતા, અને 2005 સુધીમાં તો તેમણે વણકરો માટે અનામત રેશમી ઉત્પાદનો બનાવવાનું શરૂ કરી દીધું હતું. થોડાં જ વર્ષોમાં, પાવરલૂમ ઉત્પાદનો બજારોમાં છવાઈ ગયાં. તે જ સમયે, પાવરલૂમ્સની માંગને કારણે કાચા માલના ભાવ ઝડપથી વધી રહ્યા હતા. વણકરો એક સમયે થોડા કિલો રેશમ ખરીદતા, જ્યારે પાવરલૂમ માલિકો ટનમાં રેશમ ખરીદતા હતા.
તેનું એક પરિણામ એ આવ્યું કે 2000ની આસપાસ ધર્માવરમમાં ‘હેન્ડલૂમ ભવનો’ ફૂટી નીકળ્યાં. વણકરો સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડની દેખરેખ હેઠળ, હેન્ડલૂમોથી ખીચોખીચ ભરેલી ઈમારતોમાં કામ કરવા અને રહેવા લાગ્યા.

Rahul M.
કુમાર અને બીજા ઘણા લોકોએ પોતાની હેન્ડલૂમ વેચી દીધી અને બીજાની માલિકીની શાળ પર કામ કરવાનું શરૂ કર્યું. 29 વર્ષીય વણકર એસ. અમરનાથ કહે છે, “મને લાગે છે કે પોતાની હેન્ડલૂમ પર કામ કરવાને બદલે બીજાની હેન્ડલૂમ પર મજૂર તરીકે કામ કરવું વધુ સારું છે. જો તમારી પાસે માત્ર એક જ શાળ હોય તો જોખમ વધારે છે, પણ જો તમારી પાસે 10 હેન્ડલૂમ હોય તો જોખમ વહેંચાઈ જાય છે.”
ત્યાં સુધીમાં વણકરોનું સંગઠન પણ નબળું પડી ગયું હતું અને રેશમી ઉત્પાદનોના જથ્થાબંધ ખરીદદારો સાથે ભાવતાલ કરી શકતું ન હતું. સોદાબાજી કરવાની તાકાત ન રહેતા, રમનજનેયુલુ કહે છે, “વણકરોને વિરોધ માટે એકઠા કરવા વધુને વધુ મુશ્કેલ બની ગયું.”

Rahul M.
જોતજોતામાં, પાવરલૂમ્સવાળા હેન્ડલૂમની સાડીઓની નકલ કરવા લાગ્યા અને તેને હેન્ડલૂમની પ્રોડક્ટ તરીકે જ બજારમાં વેચવા લાગ્યા, ભલે પછી 2010માં રાજ્ય સરકારે ધર્માવરમની હેન્ડલૂમ પટ્ટુ સાડીઓ અને પાવડા (‘અડધી-સાડી’) ને જીઆઈ (ભૌગોલિક સંકેત) આપ્યું હોય. આ જીઆઈ નકલ અટકાવે છે અને કાયદેસર રીતે ધર્માવરમ રેશમી સાડીઓનું પરંપરાગત ઉત્પાદન કરવાની જ મંજૂરી આપે છે.
નુકસાન વધવા લાગ્યું. જે વણકરો પરિવારની મદદથી 4 થી 7 દિવસમાં એક રેશમી સાડી બનાવતા હતા, તેમને હવે એક જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી અને દિવસની 2-3 સાડીઓ તૈયાર કરતી પાવરલૂમ્સ સાથે સ્પર્ધા કરવી પડતી હતી. 1990ના દાયકા સુધી, વણકરો થોડાં વર્ષોમાં એકવાર તેમની ડિઝાઇનમાં ફેરફાર કરતા. હવે, તેમને દર 3-4 મહિનામાં ડિઝાઇન બદલવાની ફરજ પાડવામાં આવે છે કારણ કે પાવરલૂમ્સ કોમ્પ્યુટરાઈઝ્ડ ચીપમાં 64 જેટલી ડિઝાઇનો સ્ટોર કરી શકે છે; આના માટે વણકરોએ 20 દિવસ સુધી શાળ બંધ રાખવી પડતી અને નમૂનાઓ માટે આશરે 5,000 રૂપિયા ખર્ચવા પડતા.
ટકી રહેવા માટે, વણકરો દેવું કરવા લાગ્યા. જેઓ હવે લોન ચૂકવી શકતા નથી તેઓ બેંકના રેકોર્ડમાં ડિફોલ્ટર બની ગયા છે અને હજુ પણ છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા વચન આપવામાં આવેલી લોન માફી યોજનાઓમાં સતત વિલંબ થઈ રહ્યો છે.
અમરનાથ કહે છે, “અમે 5-6 વર્ષથી (ખાનગી સ્ત્રોતોમાંથી) દેવું કરી રહ્યા છીએ. જ્યારે પણ હું લોન માટે બેંકમાં જતો, ત્યારે મને કોઈ રાજકારણી અથવા જાણીતી વ્યક્તિની ગેરંટી લાવવાનું કહેવામાં આવતું. અમે એવી કોઈ વ્યક્તિને ઓળખતા નથી.” અમરનાથના પિતા, એસ. જગન્નાથે શાહુકારો અને સંબંધીઓ પાસેથી 6 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ લોનના તણાવથી કંટાળીને, 26 ફેબ્રુઆરી, 2017ની રાત્રે, તેમણે ધર્માવરમમાં ગળે ફાંસો ખાઈ લીધો.
ધનંજયના પરિવારને 2012ની આસપાસ વિકાસ કમિશનર (હેન્ડલૂમ) ની ઓફિસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ વિવર્સ ક્રેડિટ કાર્ડ સ્કીમ હેઠળ લોન માટે પાત્ર છે. પરંતુ બેંકે લોન મંજૂર ન કરી. ધનંજયના સાળા, ગદ્દમ શિવશંકર, જેમણે તે વર્ષે લોન માટે અરજી કરી હતી, તેઓ કહે છે, “બેંક મેનેજરોને લાગે છે કે અમે પૈસા પાછા નહીં આપીએ.”

Rahul M.
સરકારના આંતરિક અહેવાલ મુજબ, 2012-13માં અનંતપુર જિલ્લાની બેંકોએ 4,857 વણકરોને 1808.51 લાખ રૂપિયાની લોન મંજૂર કરી હતી. ઓગસ્ટ 2016માં આ યોજનાનું સ્થાન અન્ય યોજનાએ લીધું તે પહેલાં, 2016માં આ રકમ ઘટીને માત્ર 47 લાખ રૂપિયા થઈ ગઈ હતી, જે ફક્ત 65 વણકરોને આપવામાં આવી હતી.
જ્યારે ધર્માવરમમાં પાવરલૂમ સ્થાપિત થયા, ત્યારે ધનંજયે તેમની સાથે તાલ મિલાવવા માટે વધુ હેન્ડલૂમ ખરીદવાનું શરૂ કર્યું. 2013 સુધીમાં, તેમની પાસે ચાર હેન્ડલૂમ હતી (દરેક હેન્ડલૂમની કિંમત આશરે 50,000 રૂપિયા છે), અને તેમણે પત્ની એસ. ચંદ્રકલાની બે સિઝેરિયન સર્જરી માટે મોટી રકમ ખર્ચી હતી. ટકી રહેવા માટે, તેમણે પણ સ્થાનિક શાહુકારો પાસેથી ઉધાર લીધું હતું.
2015 સુધીમાં, ધનંજયને તેમની ત્રણ શાળ વેચવાની ફરજ પડી હતી. અને ત્યાં સુધીમાં, કદાચ ચિંતા અને શાહુકારોના દબાણને કારણે તેમણે નિયમિતપણે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. રમનજનેયુલુ કહે છે કે ધર્માવરમના વણકરોમાં દારૂનું વ્યસન વધી રહ્યું છે.
ઓક્ટોબર 2016માં, દારૂ છોડવાનો નિશ્ચય કરીને, ધનંજય ભગવાન અયપ્પાના શરણે ગયા, જેમના વિશે માન્યતા છે કે જો કોઈ શિસ્તબદ્ધ અને તપસ્વી જીવનશૈલી અનુસરે તો તેઓ મનોકામના પૂર્ણ કરે છે. તેમણે તેમની માતાને કહ્યું હતું, “મેં અયપ્પા માળા [41 દિવસનું વ્રત] લીધી છે. હવે આપણી બધી સમસ્યાઓનો અંત આવશે.”
પરંતુ ડિસેમ્બર સુધીમાં, જ્યારે દેવાનો તણાવ વધી ગયો, ત્યારે ધનંજય ફરીથી દારૂ તરફ વળ્યા. કુમારે કહ્યું, “વળી, નોટબંધી પછી દેવું ભરવું મુશ્કેલ હતું.” ગામડાઓમાં લોકો શાહુકારનો વિશ્વાસ જાળવી રાખવા માટે જૂનું દેવું ચૂકવવા ઘણીવાર મિત્રો કે પરિવાર પાસેથી પૈસા ઉછીના લેતા હોય છે.
તેમનાં 70 વર્ષીય માતાએ કહ્યું, “લોકોએ તેમને દારૂ પીતા જોયા હશે. માળા પહેરી હોવા છતાં દારૂ પીવાને કારણે તેમને કદાચ શરમ આવી હશે.” 16 ડિસેમ્બરની રાત્રે, જ્યારે તેમનાં પત્ની તેમના પિયર ગયાં હતાં, ત્યારે ધનંજય ઘરે આવ્યા અને તેમના ઘરમાં બચેલી એકમાત્ર હેન્ડલૂમની બાજુમાં જ ગળે ફાંસો ખાઈ લીધો.
ધર્માવરમમાં તેમના ઘરથી થોડે દૂર, મહાત્મા ગાંધીની ચરખો કાંતતી એક પ્રતિમા છે. નીચેના શિલાલેખ પર લખ્યું છે: ‘ખાદી વિના મારું કોઈ અસ્તિત્વ નથી’.

Rahul M.
અનુવાદક: કનીઝફાતેમા
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/without-khadi-i-am-not-there-guj