અંશુ કુમારી કહે છે, “પરીક્ષાની તૈયારી કરવી એ અમારી જવાબદારી છે. પણ પેપર ફૂટે નહીં અને સુરક્ષિત રહે તેની ખાતરી કરવી એ તો સત્તાધીશોની જવાબદારી છે.” તેમના ચહેરા પરનો રોષ સ્પષ્ટપણે ઝળકી રહ્યો હતો.
24 વર્ષીય અંશુ સ્પર્ધાત્મક પરીક્ષાઓના તણાવ અને દબાણને બહુ સારી રીતે સમજે છે. તેઓ એક શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે, અને સાથે જ સરકારી શાળામાં નોકરી મેળવવાના સપના સાથે ઓપન યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એજ્યુકેશન (B.Ed)ની ડિગ્રી મેળવી રહ્યાં છે. આ બધાની વચ્ચે તેઓ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET)ની તૈયારીઓ પણ કરી રહ્યાં છે.
વર્ષ 2023 અને 2024માં, સરકારી નોકરી મેળવવાની આશા સાથે અંશુએ બેન્કિંગની પરીક્ષાઓ આપી હતી. પરંતુ જ્યારે એમાં કોઈ સફળતા ન મળી, ત્યારે તેમણે શિક્ષક બનવાનું નક્કી કર્યું. હવે તેઓ રાતોની રાતો જાગીને રાજ્ય સરકારની શિક્ષક માટેની પરીક્ષાઓની સખત તૈયારી કરી રહ્યાં છે.













