ઝુનુ ખુશીથી તાડનાં પાંદડાં ખાઈ રહી છે. તે આ પાળેલી બકરીના આહારનો એક ભાગ નથી, પરંતુ તેના માટે તે સમયાંતરે મળતી એક સ્વાદિષ્ટ વાનગી છે.
આ યુવાન પાલતું પ્રાણીનો આ ખોરાક કલ્યાણી પાત્રા માટે થોડો ચિંતાનો વિષય છે, જેઓ આ લાંબાં પાંદડાંમાંથી ટોપી બનાવી રહ્યાં છે. આ પીઢ કારીગર તેમના બકરી ઝુનુને તેના દુર્લભ કાચા માલને ખાઈ જવાથી રોકવાનો પ્રયાસ કરીને તેના માથા પર થપથપાવે છે.
આના પાછળ યોગ્ય કારણ પણ છે: તાડીચેટ્ટુ [બોરાસસ ફ્લાબેલિફર] 30 મીટર જેટલી ઊંચાઈવાળું એક ઊંચું વૃક્ષ છે. 50 વર્ષીય કલ્યાણી કહે છે, “મુખ્ય અવરોધ છે તાડનાં પાંદડાં મેળવવાં. તે બંગાળના સૌથી ઊંચાં વૃક્ષોમાંનું એક છે. ત્યાં ઘણાં બધાં વૃક્ષો છે, પરંતુ તેમના પર ચઢવાની કુશળતા હવે બહુ ઓછા લોકો પાસે છે.”
તેમનાં પાડોશી છાયા પ્રમાણિક, આ હસ્તકળાનાં અન્ય અનુભવી, એમ કહીને સંમત થાય છે કે, “અગાઉ, ઘરના પુરુષો પાંદડાં લાવતા હતા. પણ હવે યુવાન છોકરાઓને તાડના ઝાડ પર કેવી રીતે ચઢવું તે જ ખબર નથી.” પછી પ્રમાણિક દાર્શનિક અને વ્યવહારુ મુદ્દા પર બોલે છેઃ “અને હવે વૃક્ષો પર ચઢવાનો સમય પણ કોની પાસે છે?”
કલ્યાણી અને છાયા આખુડી ડોમ સમુદાયનાં છે, જેઓ પેઢીઓથી આ પાંદડાં સાથે કામ કરી રહ્યાં છે. કલ્યાણી તેમના હાથ હલાવતાં કહે છે, “અમારી પડોશ તેના તાડના પાંદડા અને વાંસના કામ માટે જાણીતો છે. અગાઉ જ્યારે અમારાં સમુદાયમાં લગ્નનો પ્રસંગ યોજાતો, ત્યારે જે પુરુષ અને સ્ત્રી વાંસમાં કુશળ હોય તેમનો આ એક બહુ મોટો સદ્ગુણ માનવામાં આવતો હતો.” તેઓ ઉમેરે છે કે હવે મોટેભાગે ડોમ સમુદાયની સ્ત્રીઓ (રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ) જ આ કળામાં પ્રવૃત્ત છે. તેઓ તાડનાં પાંદડાં અને વાંસમાંથી ટોપી, હાથના પંખા અને અન્ય વસ્તુઓ બનાવે છે.


























