પરંતુ તેઓ કહે છે, “કોઈ નામ-માત્ર કા સરપંચ ભી નહીં સમજતા ઈસ ગાંવ મેં [આ ગામમાં મને કોઈ નામ-માત્રનાં સરપંચ પણ નથી સમજતું].”
ખુમનિયાને 14 જૂન 2022ના રોજ અહીં બિનહરીફ સરપંચ ચૂંટવામાં આવ્યાં હતાં. લગભગ 58 વર્ષીય ખુમનિયા આદિવાસી તે સમયને યાદ કરે છે, જ્યારે તેમને મધ્ય પ્રદેશના કફાર ગામ પંચાયતના કાર્યાલયમાં બોલાવવામાં આવ્યાં હતાં. તે વખતે તેમણે પહેલી અને છેલ્લી વાર કાર્યાલયનું મોં જોયું હતું.
ખુમનિયા કહે છે, “શરૂઆતમાં મને એક વાર બોલાવવામાં આવી હતી.” તે વખતે તેમને સરપંચ તરીકે ચૂંટાયાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જેના અનુસાર તેઓ બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયાં હતાં. તેઓ ભણેલાં ન હોવાથી તે કાગળ વાંચી શક્યાં ન હતાં. તેઓ પોતાની બુંદેલખંડી ભાષામાં કહે છે, “હમાઈ પંચાયત મેં આદિવાસી સીટ આયી હોતી, તો ગાંવ કે બડે લોગન ને હમાઓ નામ દે દાઓ [અમારી પંચાયતમાં આદિવાસી સીટ આવી હતી, તો ગામના મોટા લોકોએ મારું નામ દઈ દીધું.]. મારી સામે કોઈ ઊભું રહ્યું ન હતું.”







