પશ્ચિમ બંગાળના સુંદરવન ક્ષેત્રના દક્ષિણ કાસિયાબાદ ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક સ્વપન નાયક વિગતવાર વર્ણન કરતા કહે છે, “મેં બધા પ્રકારના તોફાનો જોયા છે, પરંતુ આ કંઈક અલગ જ હતું. એ લગભગ 12 કલાક સુધી ચાલ્યું હતું. બપોર પછી, જોતજોતામાં પાણી ખેતરોમાં અમારી તરફ ધસી આવ્યું હતું, ભડકેલા આખલાની જેમ. હું મારા ભાઈના વિકલાંગ દીકરાને ઊંચકીને ભાગ્યો હતો."
ચક્રવાત અમ્ફાન 20 મી મેના રોજ 185 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપ બ્લોકમાં રામગોપાલપુર પંચાયતની હદમાં આવેલા આ ગામની નજીક જમીન સાથે ટકરાયું હતું.
ગામલોકોએ આવું તોફાન અગાઉ ક્યારેય જોયું નહોતું. અહીંના લોકો કહે છે અમ્ફાને સુંદરવનને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું નુકસાન તો આઇલા (2009) અને બુલબુલ (2019) ચક્રવાતે પણ નથી પહોંચાડ્યું.
દક્ષિણ કાસિયાબાદમાં ખાનગી રીતે સંચાલિત માનબ તીર્થ પ્રાથમિક શાળામાં ભણાવતા નાયક કહે છે, "અમારી શાળા બરબાદ થઈ ગઈ છે. છત ઉડી ગઈ છે અને ચાર વર્ગખંડો ધરાશાયી થઈ ગયા છે. લગભગ 100 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે."
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ 'સુપર સાયક્લોનિક સ્ટોર્મ' 20 મી મેના રોજ સુંદરવન તરફ આગળ વધવા માંડ્યું હતું. અમ્ફાન લગભગ બપોરે 4.30 વાગ્યે કાકદ્વીપની દક્ષિણ પશ્ચિમે સાગર ટાપુ પાસે જમીન સાથે ટકરાયું હતું. દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપ, કુલતલી, નામખાના, પાથારપ્રતિમા અને સાગર બ્લોક્સ ચક્રવાતના લેન્ડફોલની (જમીન સાથે ટકરાયું તેની) નજીકના વિસ્તારમાં હતા - અને આ દક્ષિણ બંગાળના સૌથી વધુ અસરગ્રસ્ત ભાગોમાંથી છે, જ્યાં ચક્રવાતને કારણે ભારે નુકસાન થયું છે.
29 મી મેના રોજ કાકદ્વીપ બસ સ્થાનકથી દક્ષિણ કાસિયાબાદ જતા, લગભગ 40 કિલોમીટરનું આ અંતર કાપવામાં અમને લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો. અમે જોયું કે રસ્તાની બંને બાજુએ કાટમાળ પથરાયેલો હતો. વૃક્ષો મૂળસોતાં ઊખડી ગયાં હતાં અને ઘરો અને દુકાનો ધરાશાયી થઈ ગયાં હતાં.
રંજન ગાયેન અને તેમના પરિવારના સભ્યો દક્ષિણ કાસિયાબાદ જવાને રસ્તે નેતાજી પંચાયતની હદમાં આવેલા માધબ નગરમાં તેમના ઘરની નજીકના મીઠા પાણીના તળાવમાં માછીમારી કરી રહ્યા હતા. ચક્રવાત દ્વારા લાવવામાં આવેલા ખારા પાણીથી આ તળાવ દૂષિત થઈ ગયું છે. ગાયેને કહ્યું, "આ વર્ષે તાજા પાણીની માછલીઓ ઉછેરવા માટે અમે આશરે 70000 રુપિયાનું રોકાણ કર્યું છે. હવે બધી માછલીઓ મરી ગઈ છે. અમે જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે બજારમાં વેચવા માટે કોઈ માછલી બાકી રહી છે કે કેમ. મારા નાગરવેલનાં પણ ખતમ થઈ ગયાં છે અને મારો પરિવાર હવે દેવામાં ડૂબી ગયો છે." ગયેનનું કુલ નુકસાન આશરે 1 લાખ રુપિયાનું થવા જાય છે. તેઓ ઉમેરે છે, "અમારે માટે હવે સુખના દિવસો ક્યારેય પાછા નહીં આવે, ક્યારેય નહીં."


















