આ રિપોર્ટર જ્યારે ડાયરીમાં વિગતો નોંધે છે ત્યારે લાજો દેવી જિજ્ઞાસાપૂર્વક તેને જુએ છે. પણ, થોડી જ ક્ષણોમાં તેમની જિજ્ઞાસા ડરમાં ફેરવાઈ જાય છે.
તેઓ બિહારના મગધ પ્રદેશમાં બોલાતી મગહી ભાષામાં પૂછે છે, “ઈ સબ લીખ કે થાનવા મેં દેબહુ કા [શું તમે આ બધું લખીને પોલીસ સ્ટેશનમાં આપી દેશો]?” મહુડાનાં ફૂલોમાંથી (મધુકા લોંગિફોલિયા વર. લેટીફોલિયા) બનાવેલો દારૂ – જે તેમના જીવનનો એકમાત્ર આધાર છે – કેવી રીતે તેમને ટકી રાખવામાં મદદ કરી રહ્યો છે તેની વાત કરતી કરતાં તેઓ આ સવાલ પૂછે છે.
શરૂઆતમાં આ વાત સ્વીકારવામાં અચકાતાં લાજો દેવીના કાચા મકાનના એક ખૂણે રાખેલા બે ડબાઓમાં સડતો આઠ કિલો ગોળ તેમની વાતને છતી કરી દે છે. પત્રકારની નજર ડબ્બાઓ પર જતાં, તેઓ ઝડપથી તેને કાળી પોલિથીનની શીટથી ઢાંકી દે છે. તેઓ ઝડપથી સમજાવે છે, “હું તે [દારૂ] ફક્ત હોળીના દિવસોમાં વેચવા માટે જ બનાવું છું.”
લાજો દેવીમાં ઘરે દારૂ બનાવવા બાબતે જે ડર અને ચિંતા છે તે વાજબી છે. બિહાર પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ એક્ટ, 2016, મહુડાના દારૂ સહિત દારૂ અથવા માદક દ્રવ્યોના ઉત્પાદન, તેના સંગ્રહ, વિતરણ અથવા વપરાશ પર પ્રતિબંધ મૂકે છે. જે કોઈ આવું કરતાં પકડાય છે તેના માટે જેલ, જે આજીવન પણ લંબાવી શકાય છે, અને 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીના દંડની સજાની જોગવાઈ છે.






