સંકેત લોખંડે ઉત્સાહપૂર્વક કહે છે, "મેં મારી 12 મા ધોરણની રાજ્ય બોર્ડની પરીક્ષાઓ આપી દીધી હતી. વિનયન શાખાનું પરિણામ જૂનમાં આવવાનું હતું. મારે આગળ શું કરવું છે તે મને બરાબર ખબર નહોતી, પણ મારે સિનિયર કોલેજમાં ભણવું હતું, ડિગ્રી મેળવવી હતી." આ વાત છે 2021 ની, જ્યારે સંકેત18-વર્ષના બીજા કોઈ પણ યુવાનની જેમ હજી એક તરવરતો, ઉત્સાહથી ભરેલો યુવાન હતો. હવે તે બોલતા બોલતા નિસાસો નાખે છે, અને એય તેને થકવી નાખે છે. આંગણામાં દોરડાથી ગૂંથેલા ખાટલા પર ઘૂંટણ પર કોણી ટેકવીને બેઠેલા સંકેતનું શરીર ખૂબ થાકેલું જણાય છે. આ અઠવાડિયાના ડાયાલિસિસ સત્રને લગભગ ચાર દિવસ થઈ ગયા છે.
સંકેત કહે છે, "બોર્ડની પરીક્ષાના થોડા જ અઠવાડિયા પછી મને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. માંડ થોડા ડગલાં ચાલ્યા પછી હું થાકીને લોથ થઈ જતો હતો." સારામાં સારી સારવારની આશામાં સંકેતના માતાપિતા સંકેતને તેમના ગામ નિમગાંવ ભોગીથી લગભગ 64 કિલોમીટર દૂર અહિલ્યાનગર (અગાઉ અહમદનગર) ની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સંકેતનું પરિણામ આવ્યું ત્યાં સુધીમાં તો તેની કિડની સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ હતી (કામ કરતી બંધ થઈ ગઈ હતી) અને તેને માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું.
સંકેતની માતા, 47 વર્ષના મનીષા કહે છે, "ડોક્ટરોએ કહ્યું કે અમે જે પાણી પીએ છીએ તે આનું કારણ હોઈ શકે છે. અમે બધા આ તળાવનું પાણી પીતા હતા, એ દૂષિત થયેલું હોવું જોઈએ. જ્યાં સુધી અમારો દીકરો બીમાર નહોતો પડ્યો ત્યાં સુધી અમને ક્યારેય એનો ખ્યાલ નહોતો આવ્યો."
તેઓ પાઝર તલાવ - એક ઝમણ તળાવ - નો ઉલ્લેખ કરી રહ્યા છે, જે અડધી સદી કરતા વધુ સમય પહેલા કુદરતી ડ્રેનેજ લાઇન પર પાણીના સંગ્રહ માટે બાંધવામાં આવેલું માટીનું એક કૃત્રિમ માળખું છે. ગામના 330 પરિવારો તેમની ઘરેલુ અને ખેતીની જરૂરિયાતો માટે આ તળાવ પર નિર્ભર રહેતા આવ્યા છે. પરંતુ છેલ્લા 12 થી 15 વર્ષમાં સમગ્ર ગામમાં કેન્સર અને કિડની ફેલ્યરના કેસોમાં વધારો જોવા મળ્યો છે.
મનીષા કહે છે, "ડોક્ટરોએ અમને ચેતવ્યા હતા કે લાંબા સમય સુધી પ્રદૂષિત પાણી પીવાથી કિડનીને નુકસાન થાય છે. અમારા ગામમાં ઘણા લોકો કિડની ફેલ્યરથી પીડાઈ રહ્યા છે." એક જ રિપોર્ટિંગ ટ્રીપમાં મેં એવા લગભગ પાંચ પરિવારો જોયા હતા જેમાં પરિવારની ઓછામાં ઓછી એક વ્યક્તિ ડાયાલિસિસ પર હોય.






















