2016ના મધ્યમાં, બોરાટી ગામનાં એક વૃદ્ધ મહિલા સોનાબાઈ ભોસલેને ગામના ઘરોથી માંડ 500 મીટર દૂર, જંગલના એક ટુકડાને અડીને આવેલા તેમના ખેતરમાં એક પુખ્ત વાઘે ફાડી ખાધાં હતાં. બોરાટી ગામ બળતણ માટેનાં લાકડાં, નાની-મોટી વન પેદાશો અને પશુ ચરાવવા માટે જંગલો પર નિર્ભર છે.
સ્થાનિક સામાજિક અને રાજકીય કાર્યકર્તા રમેશ ખન્ની, જેમણે ગ્રામજનોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીને વન અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને સ્થાનિક રાજકીય નેતાઓ સમક્ષ રજૂઆત કરી છે, તેઓ કહે છે, “ત્યારથી અમે ભય અને ચિંતામાં જીવીએ છીએ. પહેલાં જંગલી પ્રાણીઓ અમારા પાકને ખાઈ જતાં હતાં – અને હવે વાઘનો ડર.”
50 ગાયો અને એક વાઘ
વર્ષોથી, અત્રામની દિનચર્યા લગભગ એકસરખી જ રહી છે. તેઓ ગાયોને નવડાવીને દિવસની શરૂઆત કરે છે અને પછી તેમને ચરાવવા માટે પોતાના ગામ નજીકના જંગલોમાં લઈ જાય છે.
તેઓ સાંજે સૂરજ ડૂબે ત્યારે પાછા ફરે છે, અને બીજા દિવસે ફરીથી એ જ નિત્યક્રમ શરૂ થાય છે. પહેલાં તેઓ એક ગાય દીઠ મહિને રૂ. 100 લેતા હતા. સુલોચના કહે છે, “તેઓ જે જોખમ ઉઠાવે છે તેને કારણે અમે તેમનું મહેનતાણું વધારવાની માંગ કરી.” ગામલોકો હવે તેમને એક ગાય દીઠ મહિને રૂ. 150 ચૂકવે છે – તેઓ કહે છે કે આ રૂ. 50નો વધારો જોખમ સામેના વળતર તરીકે છે! એક સાંજે જ્યારે તેઓ જંગલમાંથી ઘરે પાછા ફર્યા હતા, ત્યારે તેઓ કહે છે, “મારી પાસે સામાન્ય રીતે 50 ગાયો હોય છે જેમની સંભાળ રાખવાની હોય છે. જો હું આ કામ કરવાનું બંધ કરી દઉં, તો બીજું શું કરીશ?”
ગામલોકોએ અત્રામને સ્પષ્ટ કહી દીધું છે: “જો તમે મુશ્કેલીમાં હોવ તો અમારી ગાયોની ચિંતા કરશો નહીં.” તેઓ કહે છે કે આ એક મોટી રાહતની વાત છે, તે દર્શાવે છે કે ગામલોકો કેટલા વિચારશીલ છે. તેઓ કહે છે, “છેલ્લાં બે વર્ષમાં વાઘે ટોળામાંથી ઘણી ગાયોને મારી નાખી છે. જ્યારે હું કોઈ ગાય ગુમાવું છું ત્યારે મને દુઃખ થાય છે અને ખુશી એ વાતની છે કે હું જીવતો છું.”
અત્રામ ક્યારેય શાળાએ ગયા નથી, અને તેમનાં પત્ની પણ નથી ગયાં. પરંતુ તેમનાં ત્રણ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ ઈચ્છે છે કે તેમનાં બાળકો ભણે, ભલે પછી તેમને ગુજરાન ચલાવવા માટે પોતાનો જીવ જોખમમાં કેમ ન મૂકવો પડે. દિશાએ હમણાં જ નજીકની કોલેજમાં બી.એ.નું પ્રથમ વર્ષ પૂરું કર્યું છે, વૈષ્ણવીએ આ વર્ષે 10મું ધોરણ પાસ કર્યું છે, અને સૌથી નાનો અનોજ, એક નિવાસી શાળામાં 9મા ધોરણમાં છે.
સુલોચના ગામની આંગણવાડીમાં સહાયક તરીકે કામ કરીને પરિવારની કમાણીમાં લગભગ રૂ. 3,000નો ઉમેરો કરે છે. તેઓ કહે છે, “દરરોજ સવારે, હું તેમના સહીસલામત પાછા ફરવા માટે પ્રાર્થના કરું છું. દરરોજ સાંજે, જ્યારે હું તેમને ઘરે સહીસલામત પાછા આવેલા જોઉં છું, ત્યારે હું વાઘનો આભાર માનું છું.”
અનુવાદક: કનીઝફાતેમા