પોતાનો હાથ લંબાવીને, રજિન્દર કૌર લગભગ 125 એકરના વિશાળ ખેતર તરફ ઈશારો કરે છે, “હવે અમારે એમનાં ખેતરોમાં જવાની કોઈ જરૂર નથી. અમે અમારું અનાજ જાતે ઉગાડીએ છીએ; અમારો ઘાસચારો પણ જાતે જ ઉગાડીએ છીએ. જ્યાં સુધી તમારી નજર પહોંચે છે, ત્યાં સુધીની આ બધી જમીન અમારી છે.” આઝાદીનાં 67 વર્ષ પછી, 2014માં આ ગામના દલિતોએ અહીંની પ્રભુત્વશાળી જાતિઓ પાસેથી આ જમીન પાછી મેળવી હતી.
બલદ કલાં ગામની લગભગ દરેક ભૂમિહીન દલિત મહિલા પાસે કહેવા એવો કોઈને કોઈ કિસ્સો છે, જ્યારે ઉચ્ચ જાતિના પુરુષોએ એમના ખેતરમાં પગ મૂકવા બદલ તેમને ‘તેમની ઓકાત’ બતાવી દીધી હોય. તેમણે સહન કરેલાં અપમાન હજી પણ યાદોમાં તાજાં છે, પણ તેમના આ ભવ્ય સંઘર્ષે એ બધી કડવી યાદોને ભૂતકાળ બનાવી દીધી હોય એવું લાગે છે.
આ દલિત આંદોલને પંચાયતની જમીનોમાં પોતાના ત્રીજા ભાગના હિસ્સાના અધિકારને પાછો મેળવવા માટે જોરદાર લડત આપી છે. આ એક એવો અધિકાર છે જેને પંજાબ વિલેજ કોમન લેન્ડ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1961માં સમાવાયો છે. તેમના સંઘર્ષોથી તેમણે 2014થી દક્ષિણ પંજાબના 162 ગામોમાં 20,000 વીઘા (લગભગ 4,210 એકર) જમીન પાછી મેળવી છે. અને હવે, દલિતો ફરી એક વાર પ્રતિકારની હદો પાર કરી રહ્યા છે. તેઓ લેન્ડ સીલિંગ એક્ટ, 1972 દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જમીન ધરાવતી પ્રભુત્વશાળી જાતિઓ પાસેથી જમીન પર પોતાનો દાવો કરી રહ્યા છે.
સંગરુર અને પટિયાલા વચ્ચે નેશનલ હાઈવે 7 પર આવેલું બલદ કલાં એ ગામ છે, જ્યાં આ આંદોલનને તેનો સૌથી નિર્ણાયક વળાંક મળ્યો. આ એ જગ્યા છે જ્યાં રજિન્દર કૌર જેવી મહિલાઓ આજે ખુલ્લા મને અને વિસ્તારથી વાત કરતાં ખુશ થાય છે કે તેમના સામૂહિક સંઘર્ષે કેવા ચમત્કારો સર્જ્યા છે. ન્યાય માટેની લડાઈઓ બલદ કલાં માટે કોઈ નવી વાત નથી. એક ન્યાયી દુનિયાના સ્વપ્ન માટે લડતાં લડતાં શહીદ થયેલા લોકોના સ્મારકો ગામની સીમમાં તેના સંઘર્ષના ઇતિહાસની મૂક સાક્ષી પૂરે છે.













