ગોદાવરી મરાવી કહે છે, “થોડાં વર્ષો પહેલાં, જો અમારે ગામમાં તળાવ બનાવવા જેવી બાબતો ગ્રામસભામાં રજૂ કરવી હોય, તો અમારી મહિલાઓ માટે સરપંચ અથવા અધ્યક્ષ સાથે બેસીને વાતચીત કરવા માટે કોઈ સ્થાન નહોતું.”
જુલાઈ 2024માં વરસાદી દિવસે પારી મધ્ય પ્રદેશના બરગાગાંવમાં જે મહિલાઓને મળી, તેમની હિંમત અને દૃઢતાને કારણે પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે.
ગોદાવરી અને અખિલ−મહિલા હળચલિત મહિલા કિસાન વિમેન પ્રોડ્યુસર કંપની લિમિટેડ (HMKWPC)ના અન્ય છ સભ્યો સવારે જ આવી પહોંચ્યા હતા.તેઓ ટીનનાં છાપરાં અને દીવાલોવાળા એક મોટા શેડ જેવા ઓફિસ કમ વેરહાઉસમાં બેઠી હતી, જે ડિંડોરી જિલ્લાના સામનાપુર બ્લોકમાં આવેલું છે.પ્રવેશદ્વારની એક બાજુએ કમ્પ્યૂટર સાથે ખુરશી અને ટેબલ, થોડાં શેલ્ફ અને એર-કૂલર તેને ઓફિસની ઓળખ આપે છે.
આ ઉત્પાદક કંપનીનું નામ મહિલાઓ ખેડૂત તરીકે પોતાની ઓળખ પર ગર્વ લે છે તેના પરથી આવ્યું છે. પરંપરાગત રીતે હળ ચલાવવાનું કામ પુરુષોનું માનવામાં આવે છે, તેથી તેઓએ પોતાની જાતને હળ ચલાવતી મહિલાઓ તરીકે ઓળખાવીને આ માન્યતાને પડકારી, અને તેથી નામ પડ્યું – હળચલિત મહિલા કિસાન વિમેન પ્રોડ્યુસર કંપની. આજે તેમની પાસે 1,400 નોંધાયેલા સભ્યો છે, જેઓ શેરધારકો પણ છે.
તેમના બે સભ્યો, 44 વર્ષીય ગોદાવરી મરાવી, અને 47 વર્ષીય દેવકી વાગલે, બરગાગાંવ (જેને બરગા ગામ પણ કહેવાય છે)માં રહે છે અને ચાલીને ઓફિસે આવ્યા છે.અન્ય મહિલાઓ સામનાપુર બ્લોકમાં તેમના ઘરેથી ઑટો−રિક્ષામાં અથવા પરિવારના સભ્ય સાથે મોટરસાયકલ પર પાછળ બેસીને આવ્યા છે.
ગોદાવરી મરાવી હવે અધ્યક્ષ છે. તેઓ અમને કહે છે કે પરંપરાગત રીતે અહીંના ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા ન હતા, પણ 2010થી ધીમે ધીમે ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ સામાન્ય બની ગયો. પણ 2022થી, ડિંડોરી જિલ્લાના ઘણા ખેડૂતો જૈવિક કે પ્રાકૃતિક ખેતી, અથવા બંનેના સંયોજન તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાસાયણિક મુક્ત ખેતીને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ તેમને સમર્થન અને પ્રેરણા આપે છે.
ગોદાવરી અમને કહે છે, “અમે ખેડૂતોને જૈવિક બિયારણ આપીએ છીએ. જ્યારે ખેતરમાં ઘાસ, નીંદણ અને હરપતવાર [પરાળ] સાથે ખેડ કરવામાં આવે છે, ત્યારે તે જમીનમાં ભળી જઈને પ્રથમ જૈવિક ખાતર બની જાય છે.”


