અમે તેમનું નામ પૂછ્યું ત્યારે તેમણે તમિળમાં જવાબ આપ્યો 'વેન્ડા'. એ ખરેખર એમનું નામ છે અને તેઓ જવાબ આપવાની ના પાડતા નથી એ સમજાયું એની પહેલા થોડી ક્ષણો માટે અમે મૂંઝવણમાં પડી ગયા હતા. તમિળમાં વેન્ડામ માટેના ટૂંકા શબ્દ 'વેન્ડા'નો અનુવાદ 'નથી જોઈતું' થાય છે.
39 વર્ષના એન. વેન્ડામ એ નરસિમ્મન અને સ્વર્ગસ્થ રાજમ્માળનાદીકરી છે. તેઓ પાંચમું બાળક છે અને અનેક ગર્ભાવસ્થાને કારણે - ત્રણ છોકરાઓ અને બે છોકરીઓને જન્મ આપીને - નબળી પડી ગયેલી માતાની કૂખે જન્મ્યા હતા. તેમના માતા-પિતાએ હવે વધુ સંતાન ન થાય તેની પ્રાર્થના રૂપે તેમનું નામ ‘વેન્ડા’ રાખ્યું હતું. તેમના આધાર કાર્ડમાં તેમનું નામ 'વેન્ડામ' છે.
થોડા વર્ષો પહેલા રાજમ્માળ જીવતા હતા ત્યારે એક વાતચીતમાં તેમણે મને કહ્યું હતું કે જો બાળક છોકરો હોત તો તેનું નામ 'વેન્ડા' ન પાડ્યું હોત. પરંતુ તેમને એક દીકરી જન્મી હતી, અને તેનું ભાવિ તેના જન્મના પ્રમાણપત્રમાં સીલ થઈ ગયું હતું.
પરંતુ સ્વર્ગસ્થ રાજમ્માળે તેમનો અફસોસ વ્યક્ત કરતા પોતાની દીકરીને કહ્યું હતું: "જો અમે તને એક સારું નામ આપ્યું હોત, અને ફરી ફરી 'વેન્ડા વેન્ડા'ન કહ્યું હોત તો તું જિંદગીમાં કદાચ વધુ સારું નસીબ પામી હોત."
વેન્ડાનો અંદાજ છે કે તમિલનાડુનાતિરુવળ્ળુર જિલ્લામાં તેમના ગામ મદ્દુરમાં વેન્ડા નામની ઓછામાં ઓછી બીજી 10 મહિલાઓ છે. તેઓ પારીના પ્રતિનિધિને કહે છે, "તિરુત્તની બ્લોકમાં આસપાસના ઘણા ગામોમાં અમારા સમુદાયમાં આ નામ સામાન્ય હતું."





