માઈ મહિનો પૂરો થતાં જ અમે શિમગાના તહેવારની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. અમારી વારલી ભાષામાં પંચાંગના બાર મહિના ચૈત, વૈશાખ, જેઠ, આખાર, શ્રાવણ, ભાદવા, અશ્વિન, કાર્તિક, મક્શિર, પૂસ, માઈ અને ફાલ્ગુન (જેને શિમગા પણ કહેવાય છે) છે.
શિમગાના દિવસના એક કે બે અઠવાડિયા પહેલાં, અમે લાકડાં ભેગાં કરીએ છીએ અને હોળી નામનાં નાનાં યજ્ઞકુંડ બનાવીને સળગાવીએ છીએ. અમે આખી રાત આત્યા પાત્યા જેવી પરંપરાગત રમતો રમીએ છીએ. ફાગણની ૧૫મી તિથીએ પૂર્ણિમાની રાત્રિએ અમેસૌ મળીને લાકડાની ડાળીઓ ગોઠવીને એક મોટું યજ્ઞકુંડ બનાવીએ છીએ. આ વિધિમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે.
જંગલમાંથી પાંદડાવાળી લાંબી વાંસ લાવીને તેના પર ફૂલોની માળા, ગાઠી (ખાંડના ટુકડા) અને ચોખાના પાપડ બાંધવામાં આવે છે. તેની ટોચ પર કાળી મરઘીનું એક નાનું બચ્ચું પણ બાંધવામાં આવે છે. આ વાંસની લાકડીને હોળીનો વચ્ચોવચ મૂકવામાં આવે છે અને આસપાસના જંગલોમાંથી ભેગાં કરેલાં લાકડાં તેની આસપાસ ગોઠવવામાં આવે છે. આ રચનાને હોળી કહેવામાં આવે છે. લોકો નારિયેળ વધેરીને હોળીની પૂજા કરે છે. ગામના એક વડીલ, જેને પુડાળખી કહેવાય છે, તે આખા ગામમાં જાહેરાત (દવંડી) કરે છે અને હોળી પ્રગટાવવામાં આવે છે.
જૂના સમયમાં, ગામ અને તેની નેસના બધા લોકો એક સામાન્ય હોળી પ્રગટાવતા અને સાથે મળીને તહેવારની ઉજવણી કરતા. શિમગા પહેલાં વિવાહિત થયેલાં દંપતી હોળીની પાંચ પરિક્રમા કરી પૂજા કરે છે. અસલ આનંદની શરૂઆત રાત્રે થાય છે, જેમાં ઘણી બધી ગમ્મત અને મજાક-મશ્કરી થાય છે. તમામ ઉંમરનાં પુરુષો અને સ્ત્રીઓ આખી રાત એકબીજા સાથે મજાક−મશ્કરી કરે, ગપ્પાં મારે અને રમૂજી ટુચકા વહેંચે. અમે આ રીતે આનંદમય પ્રસંગની ઉજવણી કરીએ છીએ. નાનાં બાળકો અલગ અલગ વેશભૂષામાં ઘરે ઘરે જઈને લોકોને હસાવે છે. બદલામાં તેઓ કેટલીક ભેટ અથવા પૈસાની માંગણી કરે છે. શિમગાનો તહેવાર સૌને આનંદ અને હાસ્યથી ભરી દે છે.





