ભાગવતી કહે છે, "ઝાડુ બનાવવાના સાત તબક્કા હોય છે."
માત્ર 20 વર્ષના હોવા છતાં ભાગવતી પોતાની માતા અને પરિવારના બીજા લોકો પાસેથી શીખેલી પોતાની કળા જાણે છે. તેઓ આ પત્રકારને કહે છે, "પહેલા અમે ખજૂરીના પાનને બે ભાગમાં ચીરીએ છીએ, પછી નાના-નાના પાંદડા કાઢી નાખીએ છીએ."
નાના-નાના પાંદડા જે ભેગા મળીને એક મોટા પીંછા જેવું પાન બનાવે છે તેનો ઉલ્લેખ તેઓ "ટુકડે ટુકડે [નાના ટુકડા]" તરીકે કરે છે. ઝાડુ બનાવનારા આમાંના દરેકને કાપીને બંડલોમાં ભેગા કરે છે. પછી તેમને વાંસની લાકડી પર બાંધવામાં આવે છે અને પન્ની [પોલિથીન] વડે ચુસ્તપણે લપેટવામાં આવે છે. તેઓ એક પછી એક તબક્કા વિષે ઝડપભેર વાત કરતા અમને કહે છે કે છેલ્લો તબક્કો પાંદડા ઓછા કરવાનો અને કિનારીઓને કાપવાનો છે. તેમની પિતરાઈ બહેન દેવલી ક્યારેક વચ્ચે વચ્ચે ક્યારેક સૂર પૂરાવે છે.
ઉંમરના વીસીના દાયકાની શરૂઆતમાં પહોંચેલી આ બંને પિતરાઈ બહેનોએ દરેક તબક્કો યાદ કરી લીધો છે. ભાગવતીની માતા સોની દેવી સાથે પંજાબના મલોટમાં ફૂટપાથ પર એક નાનકડા વર્તુળમાં મહિલાઓ એકબીજાની સામે બેઠી છે. સારી રીતે રિહર્સલ કરેલા નૃત્યની જેમ તેઓ એક પછી એક વારો લે છે, દરેક મહિલા એક તબક્કો પૂરો કરીને પછી બીજાને કામ સોંપે છે.
આ કૌટુંબિક હસ્તકલા માટે દેવલીનો ઉત્સાહ તેમના અવાજમાં સ્પષ્ટ દેખાય છે: "અમને નાનપણથી જ ઝાડુ બનાવવામાં [બોહોત મન કરતે થે] ખૂબ જ રસ હતો. અને હજી આજે પણ છે." તેઓ તેમના માતા રૂખમનિ પાસેથી આ હસ્તકલા શીખ્યા છે અને તેઓ તેમના ત્રણ નાના ભાઈ-બહેનોને આ કલા શીખવવાનું વિચારી રહ્યા છે.
જો કે તેમના પિતરાઇ બહેન ભાગવતી કૌટુંબિક હસ્તકલા વિશે તેમના જેટલા જ ઉત્સાહિત છે પરંતુ તેઓ વધુ વ્યવહારુ છે: તેઓ પૂછે છે, "ક્યૂંકિ જબ મેહનત કરેંગે તો ખાને કો મિલેગા ઔર મેહનત નહીં કરેંગે તો ક્યા ખાએંગે [અમારે ખાવા માટે સખત મહેનત કરવી પડે છે. કામ નહીં કરીએ તો અમે ખાઈશું શું]?" તેઓ તેમની માતા સોની દેવીને આવું કહેતા સાંભળીને મોટા થયા છે: "જો આપણે ઝાડુ નહીં બનાવીએ, તો ખાઈશું શું?" રાજસ્થાનના મેવાડ પ્રદેશથી પંજાબની સફર ખેડતા બીજા ઝાડુ બનાવનારાઓ પણ આ જ ભાવના વ્યક્ત કરે છે.





















