એક તાજગીભરી બપોરે, પોતાના પૌત્રને કેડે તેડીને, ઉષા શિંદે નદી પાર કરવા તરાપા પર ચડ્યાં. અસ્થિર હોડી તેમની ધારણા કરતાં વધુ નમી ગઈ અને ઉષા પોતાનું સંતુલન ગુમાવી બેઠાં. જ્યારે તેઓ બાળક સાથે નદીમાં પડ્યાં, ત્યારે તેમને લાગ્યું કે હવે તેઓ બન્ને બચશે નહીં.
આ ઘટના આ વર્ષે માર્ચ મહિનામાં બની હતી, જ્યારે કોવિડ-19ની બીજી લહેર દેશભરમાં ફેલાઈ રહી હતી. ઉષાના ચાર વર્ષના પૌત્ર શંભુને તાવ આવતો હતો. 65 વર્ષીય ઉષા કહે છે, “મને ડર હતો કે તેને કોરોના [વાયરસ]નો ચેપ લાગ્યો હશે.તેનાં માતા-પિતા પશ્ચિમ મહારાષ્ટ્રમાં એક ખાંડની ફેક્ટરીમાં મોસમી મજૂર તરીકે કામ કરી રહ્યાં હતાં. તેથી મેં તેને ડૉક્ટર પાસે જલદી લઈ જવાનું નક્કી કર્યું.”
પરંતુ આ મુસાફરીમાં તેમના ગામ પાસેની નદીને કામચલાઉ તરાપા દ્વારા પાર કરવાની હતી. ઉષા કહે છે, “હું મારું સંતુલન જાળવી શકી નહીં અને શંભુ સાથે અંદર પડી ગઈ. મને તરતાં નથી આવડતું. સદ્ભાગ્યે, મારો ભત્રીજો નજીકમાં જ હતો. તેણે પાણીમાં કૂદકો માર્યો અને અમને બહાર કાઢવામાં મદદ કરી. હું ડરી ગઈ હતી, હું નહોતી ઇચ્છતી કે મારા કારણે મારા પૌત્રને કંઈ થઈ જાય.”
ઉષાનું ગામ, સૌતાડા, મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વિંચરણા નદીના કિનારે આવેલું છે. રમણીય રામેશ્વર ધોધ, જે 225 ફૂટની ઊંચાઈએથી નદીમાં પડે છે, તે પાટોડા તાલુકાના આ ગામથી લગભગ 1.5 કિલોમીટર દૂર આવેલો છે. નદી સૌતાડાને બે ભાગમાં વહેંચે છે, ગામના એક ભાગને મુખ્ય ભાગથી અલગ પાડે છે. પુલના અભાવે, શિંદે વસ્તી — સૌતાડાનો અલગ પડેલો ભાગ — ના લોકોએ દુકાનોથી લઈને હૉસ્પિટલ સુધીની દરેક વસ્તુ માટે નદી પાર કરવી પડે છે.









