બાલાજી હટ્ટાગલે એક દિવસ શેરડી કાપી રહ્યા હતા. બીજા દિવસે તેઓ ગાયબ જ થઈ ગયા. તેમનાં માતાપિતા ઈચ્છે છે કે કાશ તેમને આ બાબતે વધુ જાણકારી હોત. તેમના પિતા બાબાસાહેબ હટ્ટાગલે કહે છે, “આ અનિશ્ચિતતા અમને કોરી ખાઈ રહી છે.” જુલાઈ મહિનાની એક વાદળછાયી બપોરે, તેમના એક ઓરડાના ઈંટના ઘર પર કાળું વાદળ છવાયેલું છે, જે લગભગ બાબાસાહેબના અવાજમાં રહેલી નિરાશાને પ્રતિબિંબિત કરે છે જ્યારે તેઓ કહે છે: “અમે ફક્ત એટલું જાણવા માંગીએ છીએ કે તે જીવિત છે કે મૃત.”
નવેમ્બર 2020માં બાબાસાહેબ અને તેમનાં પત્ની સંગીતાએ તેમના 22 વર્ષીય પુત્રને છેલ્લી વાર જોયો હતો. બાલાજી મહારાષ્ટ્રના બીડ જિલ્લાના તેમના કડીવડગાંવ ગામમાં આવેલા ઘરેથી કર્ણાટકના બેલાગવી જિલ્લા (અથવા બેલગામ)ના શેરડીના ખેતરોમાં કામ કરવા માટે નીકળ્યા હતા.
તેઓ મરાઠવાડા પ્રદેશના લાખો મોસમી કામદારોમાંના એક હતા જેઓ પશ્ચિમ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડી કાપવા માટે વર્ષમાં છ મહિના માટે સ્થળાંતર કરતા હતા. દર વર્ષે, કામદારો દિવાળીના તહેવાર પછી નવેમ્બરમાં પોતાનાં ગામો છોડી દે છે અને માર્ચ અથવા એપ્રિલમાં પાછા આવે છે. પરંતુ બાલાજી આ વર્ષે પાછા નહોતા ફર્યા.
બાલાજી પહેલવહેલી વાર ઘર છોડીને તે કામ કરવા ગયા હતા જે તેમનાં માતાપિતા લગભગ બે દાયકાથી કરી રહ્યાં હતાં. બાબાસાહેબ કહે છે, “મારી પત્ની અને હું લગભગ 20 વર્ષથી શેરડી કાપવા માટે સ્થળાંતર કરી રહ્યાં છીએ. [સાથે મળીને] અમે એક સિઝનમાં 60,000-70,000 રૂપિયા કમાઈએ છીએ. આ અમારી આવકનો એકમાત્ર ખાતરીપૂર્વકનો સ્રોત છે. બીડમાં દૈનિક મજૂરીનું કામ સામાન્ય સમયમાં પણ અનિશ્ચિત હોય છે, અને કોવિડ પછી તો તે વધુ ખરાબ થઈ ગયું છે.”
મહામારી દરમિયાન ખેતરો અને બાંધકામ સ્થળો પર મજૂરીકામ શોધવું પરિવાર માટે મુશ્કેલ રહ્યું છે. બાબાસાહેબ કહે છે, “અમારે માર્ચથી નવેમ્બર 2020 સુધી ભાગ્યે જ કોઈ આવક થઈ હતી.” કોવિડ-19 ફાટી નીકળ્યા પહેલાં, જ્યારે તેઓ બીડના વડવાણી તાલુકામાં આવેલા તેમના ગામમાં હતા તે મહિનાઓમાં, બાબાસાહેબ સામાન્ય રીતે અઠવાડિયામાં 2-3 દિવસ કામ કરતા હતા, અને દરરોજ લગભગ 300 રૂપિયા કમાતા હતા.
જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં ફરીથી સ્થળાંતર કરવાનો સમય આવ્યો, ત્યારે બાબાસાહેબ અને સંગીતાએ ઘરે જ રહેવાનું નક્કી કર્યું કારણ કે બાબાસાહેબનાં વૃદ્ધ માતા બીમાર હતાં અને તેમને સંપૂર્ણ સમયની સંભાળની જરૂર હતી. બાબાસાહેબ કહે છે, “પરંતુ અમારે ગુજરાન ચલાવવા માટે પણ કંઈક કરવું પડે તેમ હતું. તેથી અમારા બદલે મારો પુત્ર ગયો.”









