ઉત્તર 24 પરગણા જિલ્લાના દત્તાપુકુર પાસેના એક ગામના શ્યામલ મન્ના કહે છે, “તમને ખબર છે અમે મહોરાં પાછળ અમારા ચહેરા કેમ છુપાવીએ છીએ? આ મહોરાં પાછળ અમે અમારી વેદના છુપાવી રહ્યા છીએ. અમે રોષે ભરાયા છીએ, માટે અહીં છીએ.”
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના એલાનથી દિલ્હીમાં જે ઘટનાઓ શરૂ થઈ, તેણે હવે આખા દેશમાં જોર પકડ્યું છે. કોલકાતાના વિરોધ પ્રદર્શનમાં, સામાન્ય મીમ્સ અને પોસ્ટરોની સાથે સાથે, ઘણા યુવાનોએ આયર્નમેન, સુપરમેન, અને ફિલ્મોમાં દુષ્ટોનો નાશ કરતા બીજા ઘણા પાત્રોનાં મહોરાં પહેર્યાં હતાં.
24 જુલાઈના રોજ કોલકાતામાં યોજાયેલી આ રેલી બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યે શિયાલદહ સ્ટેશનથી શરૂ થઈ અને તેનું ગંતવ્ય સ્થાન એસ્પ્લેનેડ હતું. સ્થાનિક અખબારોના અહેવાલ મુજબ દસેક હજારથી વધુ સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ, પ્રદર્શનકારીઓ અને કોલકાતા પોલીસ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ, જેનો અંત પાણીની તોપોના મારા સાથે થયો.


















