વાયનાડના ઢોળાવો પર, જ્યાં લીલીછમ ખીણોમાં ધૂમ્મસ પથરાયેલું રહે છે અને લાલ માટીની ટેકરીઓ વચ્ચેથી વહેતાં ઝરણાં કલરવ કરે છે, ત્યાં સમયની સામે અડીખમ ઊભેલું એક માટીનું ઘર છે. તેની માટીની દીવાલો ઉનાળામાં શીતળ પવન આપે છે, તેનાં વાંસનાં છાપરાં પવનમાં હળવો અવાજ કરે છે, અને શીશમના મજબૂત થાંભલા 150 ચોમાસાનો ભાર વેઠીનેય અડીખમ ઊભા છે. ઘરની જમીન પર લાલ માટીનું લીંપણ કરેલું છે, જેને દર અઠવાડિયે ગાયના છાણથી લીંપીને સુંવાળું કરવામાં આવે છે.
કેરળના માનંતવાડી શહેર પાસે આવેલા કામ્મના ગામનું આ ઘર એ જ જગ્યા છે જ્યાં ડાંગરનાં બિયારણો પોતાની વાર્તાઓ કહે છે.
આ બિયારણોના સંરક્ષક કુળચ્યા સમુદાયના ચેરુવયલ રામન છે (જે રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે નોંધાયેલા છે). તેમનો સમુદાય એક સમયે ડાંગરની ખેતીમાં તેમની કુશળતા માટે સમગ્ર મલબારમાં પ્રચલિત હતો. 73 વર્ષીય રામને દાયકાઓની આર્થિક તંગી, કથળતી તબિયત અને સરકારી તેમ જ અન્ય સંસ્થાઓની ઉપેક્ષા વચ્ચે પણ આ પરંપરાગત બિયારણોને સાચવી રાખ્યાં છે.
લોકો જેમને પ્રેમ અને આદરથી ‘રામેટ્ટન’ કહીને બોલાવે છે તેવા રામન કહે છે, “તેઓ [બિયારણો] અમારા જીવતા જાગતા પૂર્વજો છે.” તેઓ કેરળના ખેતીના આત્માના રખેવાળ તરીકે ઓળખાય છે – એક એવી ભૂમિ જ્યાં ઘરની સમૃદ્ધિ તેમના કોઠારમાં સંગ્રહાયેલી ચોખાની વિવિધ જાતો પરથી આંકવામાં આવતી હતી.
રામને તેમના પૂર્વજોની જમીનને વિવિધતાના જીવંત સંગ્રહાલયમાં ફેરવી નાખી છે. તેમના કોઠારમાં વાયનાડની 50 અને કેરળના અન્ય ભાગોમાંથી એકત્ર કરેલી 14 પરંપરાગત જાતો સચવાયેલી છે. તેઓ દરેક ઋતુમાં તેને ઉગાડે છે, બિયારણ સાચવે છે અને પરંપરાગત ખેતી કરવા માટે પ્રતિબદ્ધ હોય તેવી કોઈ પણ વ્યક્તિ — આદિવાસી ખેડૂતો, વ્યક્તિગત ખેડૂતો, સંશોધકો કે સંસ્થાઓને — મફતમાં વહેંચે છે. તેઓ કહે છે, “દરેક ચોખામાં એક આત્મા હોય છે. તે જમીન, વરસાદ અને પેઢીઓના સ્પર્શને યાદ રાખે છે. જો તમે તેને ગુમાવી દો છો, તો તમે તમારો ઈતિહાસ ખોઈ બેસો છો.”
તેમના આગળના ઓરડાના ઝાંખા પ્રકાશમાં, દુર્લભ ચોખાની જાતો ભરેલા શણના કોથળાઓ એકબીજા પર ખડકેલા પડ્યા છે – જાણે ઇતિહાસના મૂક ચોકીદારો હોય તેમ. દરેક થેલી પર મલયાલમમાં નામ લખેલાં છે જે સાંભળવામાં હાલરડાં જેવાં મીઠાં લાગે છે: ચેન્નેલ્લુ, તોન્ડી, ચેમ્બકમ, વેલિયન, ગંધકસાલા, કાયમા.
રામન ‘પારી’ને કહે છે કે ગરમાગરમ ગંધકસાલાની સુગંધ હવામાં ચમેલી અને ચંદન જેવી મહેક પ્રસરાવી દે છે; કાયમા, જેને જીરકસાલા પણ કહેવાય છે, તેમાંથી આવતી માખણ જેવી સુગંધ મલબારની બિરયાનીની ઓળખ છે, અને ચેમ્બકમનો સ્વાદ મીઠો અને નાજુક છે, જેની પાયસમ (એક મીઠાઈ) બનાવવામાં આવે ત્યારે તે નાળિયેરના દૂધ સાથે એકરસ થઈ જાય છે.










