દશરથ મુશહરના ઘરથી માંડ 100 મીટર દૂર એક હેન્ડપંપ છે. મહિલાઓ ત્યાં નહાતી હોય છે અને કપડાં ધોતી હોય છે એટલે પાણી બહાર કઢાતું હોઈ હેન્ડલનો કિચૂડકિચૂડ અવાજ આખો દિવસ સંભળાતો હોય છે.
પરંતુ વોર્નાર ગામમાં સરકાર દ્વારા સ્થાપિત હેન્ડપંપ દશરથના પરિવારની પહોંચની બહાર છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મુશહર - એક દલિત સમુદાયના સભ્યો - ને માટે અહીં પલામુમાં ગામના પંપમાંથી પાણી મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી.
દશરથ મુશહરે કહ્યું, “હમન કે ગારી દેવલે, કહલે ના કિ કહી ઔર સે પાની ભરો [તેઓ અમને ગાળો આપે છે અને કહે છે કે બીજે ક્યાંકથી પાણી ભરો]." તેઓ ઉમેરે છે કે તેમના વાસણો ફેંકી દેવામાં આવે છે.
રામાવતાર ચૌધરીનું ઘર હેન્ડપંપની બાજુમાં જ છે. અહીં રહેતા 2749 લોકો (જનગણના 2011) માંથી લગભગ ત્રીજા ભાગના મુશહર દલિતો છે. આ પત્રકારે મુશહર દલિતો સામે ખુલ્લા ભેદભાવ વિશે પૂછતા તેઓ જવાબ આપે છે, "તેઓ સ્વચ્છતા જાળવતા નથી એટલે તેમને ના પાડવામાં આવે છે. શું કોઈ એવું ગંદુ પાણી પીશે?"








