તેઓ રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ મેઘવાલ સમુદાયના છે. પરંપરાગત રીતે મેઘવાલ સમુદાયના લોકો ખેતી કરતા, પશુપાલન કરતા અને કપડાં અને ધાબળા વણતા હતા. પરંતુ સદીઓથી ચાલ્યા આવતા જાતિ ભેદભાવને કારણે આ સમુદાયમાં શિક્ષણ અને પ્રગતિનું સ્તર ઐતિહાસિક રીતે સૌથી નીચું રહ્યું છે.
વિમલાના પતિ, 36 વર્ષના કંવરલાલે તેમના ભાઈ 32 વર્ષના ભોજારામની જેમ શાળા અધવચ્ચે છોડી દીધી હતી અને તેમના નાના ભાઈ-બહેનોને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ સુનિશ્ચિત કરવા માટે મીઠાની ખાણોમાં શ્રમિક તરીકે કામ કર્યું હતું. એક ભૂમિહીન દલિત ખેડૂત કંવરલાલ હવે ગણોતપટે લીધેલી 40 વીઘા (અહીં, 4 થી 5 વીઘા એટલે એક એકર) જમીન પર બાજરી, ઘઉં, મેથી અને મગફળીની ખેતી કરે છે. ઓછા અને અનિયમિત વરસાદ, વારંવાર દુષ્કાળ, પાક નિષ્ફળ જવો અને નબળી ઉપજને કારણે ફલોદીમાં ખેતી કરાવી એ એક પડકાર છે.
આ શુષ્ક પ્રદેશમાં સરેરાશ 200 મિલીમીટર વરસાદ પડે છે, પાણી એક દુર્લભ અને કિંમતી સંસાધન છે. વાસણો પર ચોંટી ગયેલા, કઠણ થઈ ગયેલા ખોરાકના કણોને દૂર કરવા માટે વિમલા થોડું થોડું પાણી છાંટે છે, એ પાણી ઘરની બાજુમાં આવેલા ટાંકામાંથી લેવામાં આવે છે.
થાર રણમાં પાણીની અછત સામે લડવા માટે ટાંકા એ એક લોકપ્રિય તકનિક રહી છે, જોકે બાઓરી (વાવ) અને તાલાબ (તળાવો) ની સરખામણીમાં એ પ્રમાણમાં તાજેતરની પદ્ધતિ છે. સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત 1988 ની એક પુસ્તિકા કહે છે કે આ પ્રદેશમાં ટાંકાનું સૌથી પહેલું બાંધકામ 1607 એ.ડી. માં રાજા સુરસિંહ દ્વારા વાડી કા મેલાન ગામમાં કરવામાં આવ્યું હતું. અને પછીથી 1759 એ.ડી. માં જોધપુર ખાતે મેહરાનગઢ કિલ્લામાં મહારાજા ઉદયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ 1895-96 ના મોટા દુષ્કાળ દરમિયાન આ પ્રદેશમાં મોટા પાયે ટાંકા બનાવવામાં આવ્યા હતા.
વિમલાના ભત્રીજા 19 વર્ષના બદ્રીનારાયણ ચૌહાણ કહે છે, "ટાંકાનો ઉપયોગ છત પરથી વરસાદી પાણી એકત્રિત કરવા માટે કરવામાં આવતો હતો, જેનો ઉપયોગ પીવાના પાણી માટે થાય છે. ટાંકુ સિમેન્ટ, કોંક્રિટ અને પથ્થરમાંથી બનાવવામાં આવે છે, અને સામાન્ય રીતે પશ્ચિમ રાજસ્થાનમાં તેનો ઉપયોગ થાય છે. 10 ફૂટ પહોળું અને 20 ફૂટ લાંબું ટાંકુ લગભગ 56,000 થી 58,000 લિટર પાણી એકત્રિત કરી શકે છે. અને તેને બનાવવાનો ખર્ચ આશરે 50-80,000 રુપિયા થાય છે."
વિમલાના પરિવારના આંગણામાં બે ટાંકા છે. 2001 માં બનાવેલું જૂનું ટાંકુ વરસાદી પાણી એકઠું કરે છે. અને બીજું પ્રમાણમાં નવું મોટું ટાંકુ તેમની ઘરેલુ જરૂરિયાતો માટે 60,000 લિટર પાણી સમાવી શકે છે. આજે મોટી ક્ષમતાવાળું ટાંકુ પરિવારે ખરીદેલા ટેન્કરના પાણીથી ભરવામાં આવે છે. 5,000 લિટર પાણીના લગભગ 500 રુપિયા. આ ટેન્કરો ભારતની સૌથી લાંબી ઇન્દિરા ગાંધી નહેર ખાતેના નજીકના ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી પાણી મેળવે છે. આ નહેર વળી પંજાબના હરિકે બેરેજમાંથી પાણી ખેંચે છે, જ્યાં સતલજ અને બિયાસ નદીઓનો સંગમ થાય છે.