કડાકાભેર થતો મોટો અવાજ શ્રીનગરના હારવન વિસ્તારની અન્યથા શાંત ગલીને ભરી દે છે. મોહમ્મદ અફઝલ અને સાજિદ ખાન એક અખરોટના ઝાડ (જગલન્સ રિઝીઆ) પરથી ડાળીઓ ખંખેરીને અખરોટ પાડી રહ્યા છે અને તે અવાજ નજીકના ઘરોની પતરાની છત પર સખત કવચવાળા અખરોટ વાને કારણે ઊઠતો અવાજ છે.
સો ફૂટ ઊંચા કે 10 માળની ઈમારત જેટલા કદના ઝાડ પરથી ડાળીઓ ખંખરીને અખરોટ પાડવા એ જોખમી કામ છે. અને તેથી અખરોટની લણણી કરનારા માણસો ખૂબ જ કુશળ શ્રમિકો છે જેમને છાનન વોએલ (વોલનટ થ્રેશર - અખરોટ ખંખેરનાર) તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુના રાજૌરીના મોહમ્મદ અફઝલ છેલ્લા છ વર્ષથી વોલનટ થ્રેશર તરીકે કામ કરે છે. દર ઋતુમાં 24 વર્ષના બકરવા સમુદાયના (જેને રાજ્યમાં અનુસૂચિત આદિજાતિનો દરજ્જો આપેલ છે) મોહમ્મદ આ કામ માટે કાશ્મીર જાય છે. તેઓ કહે છે, "મને ડર લાગે છે, કારણ કે ઝાડ ઊંચા હોય છે." ડાળીઓ ખંખેરીને પાડેલા અખરોટ એકઠા કરવા ઉપરાંત ઓક્ટોબર અને નવેમ્બરમાં દરરોજ રૂ. ૫૦૦-૭૦૦ મેળવવા તેઓ સફરજનનું પેકેજિંગ અને વૃક્ષ કાપવાનું કામ કરે છે.આ સમય દરમિયાન, અફઝલ અને અન્ય અખરોટ પાડનારા મજૂરો જ્યાં કામ કરે છે તે બગીચાઓની નજીક કામચલાઉ તંબુઓ ગોઠવે છે.
લણણીની મોસમમાં ઓગસ્ટથી ઓક્ટોબર સુધી અફઝલનું રોજીંદુ કામ સવારે સાત વાગ્યે શરૂ થાય છે અને સામાન્ય રીતે સાંજે છ વાગ્યે પૂરું થાય છે. તેઓ ઊંચાઈ પ્રમાણે ચાર થી પાંચ ઝાડ પર ચડીને વિલો અથવા બીજા મજબૂત લાકડામાંથી બનાવેલા લાંબા, મજબૂત ડંડા ઉપરની ડાળીઓ પર જોરથી ફટકારે છે. આ રીતે એક દિવસમાં તેઓ ચાર થી પાંચ ઝાડ પરથી અખરોટ ખંખેરે છે.
અફઝલને અખરોટનું ખંખેરવાનું કામ પડકારજનક લાગે છે. તેઓ કહે છે, "તે ખૂબ જ જોખમી કામ છે. પાંચ કિલોગ્રામની લાકડી પકડીને અખરોટને જોરથી ફટકારતી વખતે ઝાડ પર સંતુલન જાળવવા માટે તમારે ખૂબ જ ચપળ રહેવું પડે છે."
અખરોટના કેટલાક વૃક્ષો, ખાસ કરીને બડગામમાં, 150 ફૂટ જેટલા ઊંચા ઊગે છે. અફઝલ ઉમેરે છે, "વરસાદના દિવસોમાં અમે ઝાડ પર ચઢવાનું ટાળીએ છીએ કારણ કે તે ખૂબ લપસણા થઈ જાય છે. સદભાગ્યે મારી સાથે ક્યારેય કોઈ દુર્ઘટના ઘટી નથી."
પરંતુ તેમના પરિવારને તેમની સુરક્ષાની ચિંતા છે. તેઓ કબૂલે છે, "મારી માતા નથી ઇચ્છતી કે હું આ કામ કરું કારણ કે અમારા ગામના ઘણા પુરુષો અખરોટના ઝાડ પરથી પડીને મૃત્યુ પામ્યા છે."














