રવિ કુમાર નેતામ સ્મિત સાથે કહે છે, “હાથીઓ ઘણી વખત મારા પાછળ પડ્યા છે, પરંતુ મને ક્યારેય ઈજા થઈ નથી.”
25 વર્ષીય ગોંડ આદિવાસી અરસીકનહર પર્વતમાળામાં જંગલના માર્ગ પર ચાલી રહ્યા છે. છત્તીસગઢમાં ઉદંતી સિતાનદી ટાઇગર રિઝર્વમાં હાથીની હિલચાલ પર નજર રાખનારા આ આદિવાસી હાથીના મળમૂત્ર અને પગની છાપને અનુસરીને કેવી રીતે આ મહાકાય પ્રાણીની હિલચાલ પર નજર રાખવી તે બખૂબી જાણે છે.
ધમતરી જિલ્લાના થેનહી ગામના રવિ કહે છે, “મારો જન્મ અને ઉછેર જંગલમાં જ થયો છે. આ વસ્તુઓ વિશે જાણવા માટે મારે કંઈ શાળાએ જવાની જરૂર નથી.” તેમણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પછી પોતાના વર્તમાન વ્યવસાયમાં આવતા પ્રવૃત્ત થતાં પહેલાં લગભગ ચાર વર્ષ પહેલાં વન વિભાગમાં ફાયર ગાર્ડ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
જેમ જેમ તેઓ આપણને જંગલમાં લઈ જાય છે, તેમ તેમ જંતુઓનો આછો ઘોંઘાટ અને સાલ (શોરિયા રોબસ્ટા) અને સાગ (ટેક્ટોના ગ્રાન્ડિસ) વૃક્ષોમાંથી વાતા પવનનો અવાજ સંભળાવા લાગે છે. પ્રસંગોપાત, એકાદ પક્ષીનો અવાજ આવે છે અથવા ડાળી તૂટી જવાનો અવાજ આવે છે. હાથીની હિલચાલ પર નજર રાખનારા લોકો અવાજો તેમજ દૃશ્ય સંકેતો પર ખાસ ધ્યાન આપવું પડે છે.












