મિર્ઝા મોહમ્મદ ખાન બેફિકરાઈથી કહે છે, “હું માત્ર નહાવા માટે જ ઘેર જઉં છું." તેઓ શ્રીનગરથી ગુરેઝ ખીણ તરફ જતા પ્રવાસીઓ માટેના એક વિરામ સ્થળ, ત્રાગબલમાં, ખાન ટી સ્ટોલમાં બેઠા છે. કાશ્મીરના બહુ ઓછી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આ નાનકડી દુકાન અને તેનું મોટું પાટિયું નજરે ચડ્યા વિના ન રહે.
આ નાનકડી દુકાનના 32 વર્ષના માલિક આગળ કહે છે, "અમને દર ચાર દિવસે 500 લિટર પાણી મળે છે. મારે એનો ઉપયોગ ચા બનાવવા, વાસણો ધોવા અને બીજી જરૂરી વસ્તુઓ માટે કરવો પડે છે.અહીં નાહીને 20-30 લિટર પાણીનો બગાડ કરવાનું મને ન પોસાય!" તેઓ ઉમેરે છે, "એકેએક કપ કિંમતી છે."
મિર્ઝા 12 વર્ષથી ત્રાગબલમાં પ્રવાસીઓને ચા, કોફી, મેગી નૂડલ્સ અને બીજા હળવા નાસ્તા પૂરા પાડતી આ નાનકડી દુકાન ચલાવે છે, પૃષ્ઠભૂમિમાં રાઝદાન પર્વતમાળા છે. મિર્ઝા કહે છે, "હું આને મારું બીજું ઘર કહું છું કારણ કે હું બુધવારથી રવિવાર સુધી અઠવાડિયાના પાંચ દિવસ અહીં રહું છું. સોમવારે હું ઘેર જઉં છું કારણ કે તે કામનો દિવસ છે અને (તે દિવસે) બહુ ઓછા મુલાકાતીઓ આવે છે." તેમનું પારિવારિક ઘર લગભગ 30 કિલોમીટર દૂર ઉત્તર કાશ્મીરના બાંડીપૂર જિલ્લાના પેઠકૂટ વિસ્તારમાં છે. ત્રાગબલમાં મિર્ઝા દુકાનમાં જ સૂઈ રહે છે, દુકાનમાં એક સ્ટોર રૂમ અને 3 x 6 ફૂટનો એક બેડરૂમ છે.








