છેલ્લા એક વર્ષથી વધુ સમયથી, કોલ્લાટી નારાયણ જક્કંપુડી ગામથી કૃષ્ણા નદીના કિનારે આવેલા વિજયવાડા શહેરના પ્રખ્યાત પુન્નામી ઘાટ સુધી દરરોજ છ કિલોમીટર ચાલીને આવે છે. સવારના આશરે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી, તેઓ અહીં થોડા અન્ય લોકો સાથે માછલીઓ પકડવાનું અને તેને નદીકિનારે વેચવાનું કામ કરે છે.
27 વર્ષીય અને આંશિક રીતે અંધ કોલ્લાટી નારાયણ, ત્યાર પછી બીજા છ કિલોમીટર ચાલીને પોતાના ઘરે પાછા ફરે છે. તેઓ કહે છે, “હું ચાલીને જાઉં છું કારણ કે હું ઑટોરિક્ષા માટે 40 રૂપિયા ખર્ચી શકતો નથી. હું રોજના ભાગ્યે જ 50-100 રૂપિયા કમાઉં છું.” તેમની ચાર અને બે વર્ષની દીકરીઓ પણ આંશિક રીતે અંધ છે.
નારાયણને આ 12 કિલોમીટર ચાલવાની ફરજ પડે છે કારણ કે પૂન્નામી ઘાટ સ્થિત તેમનું ઘર, જેમાં તેઓ જન્મ્યા ત્યારથી રહેતા હતા, તે 2016ના મધ્યમાં તોડી પાડવામાં આવ્યું હતું. તે સાધારણ મકાન તેમના ભાઈનું હતું, જેમને નારાયણ પ્રસંગોપાત નજીવું ભાડું ચૂકવતા હતા. તે હવે જક્કંપુડીમાં YSR કોલોનીમાં એક મકાન માટે ભાડા પેટે 1,000 રૂપિયા ચૂકવે છે. (તેમના ભાઈ પણ ઘર તૂટી ગયા પછી ત્યાં જ સ્થળાંતરિત થયા હતા, પરંતુ નાના મકાનમાં નારાયણના પરિવારને સમાવી શકાય તેમ ન હતું.)











