સાડા પાંચ દાયકા સુધી સંગત રામ માટે જીવન અને મૃત્યુ વચ્ચે માંડ એક વાળ જેટલું અંતર હતું. તેઓ તેમના અંગૂઠાનો નખ તેમની પહેલી આંગળીના નખને અડકાડીને આ અંતર સ્પષ્ટ કરે છે અને કહે છે, "જો એ આટલું પણ, એક વાળ જેટલું પણ, સંતુલન ગુમાવે તો પણ તમે ડૂબી જાઓ." બિયાસનાધસમસતા, બર્ફીલા પાણીમાંથી હંકારીને નદી પાર કરવી એ રમતવાત નથી, હાલકડોલક થતી બળદની ફૂલાવેલી ખાલ પરસવાર થઈને તો ચોક્કસ નહીં જ. અહીં સદીઓ સુધી નદીઓ પાર કરવાનો આ એકમાત્ર રસ્તો હતો.
89 વર્ષના સંગત રામ, હિમાચલ પ્રદેશની કુલ્લુ ખીણમાં છેલ્લા જીવંત તારુઓ (નદીના નાવિકો) માંના એક છે. તેમનો ધંધો તો ઘણા સમય પહેલા મરી પરવાર્યો હતો. આ સદીની શરૂઆતમાં જ્યારે વિવિધ સ્થળોએ પુલ અને ઝુલા (હાથથી ખેંચાતી રોપવે ટ્રોલી) ઊભા થયા ત્યારે જ તેમના ધંધાએ પોતાની પ્રસ્તુતતા ગુમાવવા માંડી હતી. તે પહેલાં તો સ્થાનિક દેવતાઓથી માંડીને રાજાઓ સુધી, બારાત (લગ્નની જાણ) થી માંડીને મૃતદેહો સુધી, ફસલથી માંડીને લાકડા સુધી, લગભગ બધી જ વસ્તુઓ તેઓ તેમની 'દિરિયા' પર નદી પાર લઈ જતા હતા.
દિરિયા એ બિયાસ નદી પાર કરવા માટે ઉપયોગમાં લેવાતી બળદની ફૂલાવેલી ખાલ હતી. દિરિયાની આસપાસની દંતકથાઓ બે હજાર વર્ષ જૂની છે જ્યારે એલેક્ઝાન્ડરની સેનાએ ભારતમાં આગળ વધવા વિરુદ્ધ બળવો કર્યો હતો. લોકવાયકાઓ કહે છે કે સ્થાનિક લોકો ત્યારે પણ દિરિયાઓ હંકારતા હતા. બીજી બાજુ ગ્રીકો માનતા હતા કે આ વિકરાળ નદી પાર કરવી અશક્ય છે. એલેક્ઝાન્ડરે સામનો કરવો પડેલા સૌથી મુશ્કેલ અવરોધોમાંનો એક અવરોધ તે બિયાસ નદી. કેટલાક ઇતિહાસકારો દાવો કરે છે કે તે ભારતમાં એલેક્ઝાન્ડરના આક્રમણની પૂર્વીય સીમા હતી, તે તેનાથી આગળ વધી શક્યો નહોતો.
સદીઓથી, કદાચ સંગત રામના પૂર્વજો સહિતના, આ નદીના નાવિકો દ્વારા હંકારવામાં આવતી દિરિયાઓ જ બિયાસના ડાબા અને જમણા કાંઠા વચ્ચેના એકમાત્ર પુલ તરીકે કામ કરતી હતી. આ નદી ખૂબ ઊંચાઈ પર આવેલા પર્વતીય (આલ્પાઈન) સરોવરના બિયાસ કુંડમાંથી નીકળે છે અને પંજાબના મેદાનોમાં હરિકે ખાતે સતલજ સાથે ભળી જતા પહેલા 470 કિલોમીટરના અંતરને આવરી લે છે.










