ચંદન ચકમા કહે છે, “જો અમે ગુદોક ન પીરસીએ તો અમારા ઘણા ગ્રાહકો અમારી હોટેલમાં જમશે જ નહીં.” છેલ્લાં 8 વર્ષથી, 37 વર્ષીય ચંદન અને તેમનાં 36 વર્ષીય પત્ની શમારુ તેમની હોટેલમાં ગુદોક પીરસી રહ્યાં છે. આથેલી માછલી અને શાકભાજીમાંથી બનતું ગુદોક ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના ચકમા સમુદાયની પરંપરાગત વાનગી છે.
આ દંપતી તેમના ગામ શાંતિનગરમાં જેસિકા નામની એક હોટેલ ચલાવે છે અને તેઓ 20 વર્ષથી લગ્નના સંબંધથી જોડાયેલાં છે. તેમની બે દીકરીઓ છે — જેસિકા અને શેવોન્ને — અને તેઓ અનુક્રમે ધોરણ 12 અને ધોરણ 8માં અભ્યાસ કરે છે.
ચંદન કહે છે, “ગુદોક અમારી ઓળખ માટે ખૂબ મહત્ત્વનું છે.” ત્રિપુરામાં ચકમા સમુદાય અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે, જેમની વસ્તી છેલ્લી વસ્તી ગણતરી મુજબ લગભગ 80,000 છે.
આ દંપતી કહે છે કે તેમની હોટેલમાં ગુદોકની આખા વર્ષ દરમિયાન માંગ રહે છે. ત્રણ રૂમવાળી જેસિકા હોટેલમાં એક સમયે 40 લોકો જમી શકે છે અને તેમાં 100થી 160 રૂપિયાની કિંમતની થાળીઓ હોય છે. આ થાળીઓમાં પરંપરાગત ગુદોક એક લોકપ્રિય વાનગી છે.
આ વાનગીને પોતાના ઘરે પણ બનાવતા ચંદન કહે છે, “લોકો વારંવાર અમને ગુદોકને અલગથી વેચવા માટે કહે છે જેથી તેઓ તેને ઘરે લઈ જઈ શકે. અહીં રહેતા તમામ સમુદાયોના લોકોને તે પસંદ છે.” આ સમુદાયોમાં હલામ, મોગ, દેબબર્મા જેવી જનજાતિઓ અને શાંતિનગરના બંગાળી−ભાષી રહેવાસીઓનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણા લોકો દાયકાઓ પહેલાં બાંગ્લાદેશથી સ્થળાંતર કરીને અહીં આવ્યા છે.
ખૂબ જ લોકપ્રિય એવું ગુદોક શાકભાજી અને આથેલી માછલીમાંથી બને છે. આથેલી માછલી સ્થાનિક રીતે બર્મા અથવા શિડોલ નામથી ઓળખાય છે, અને તેના માટે પૂટી (પ્યૂન્ટિયસ સોફોર) અને ફાયશા (સેપ્ટિપિન્ના ફાસા) જેવી પ્રજાતિઓનો ઉપયોગ થાય છે. ચંદન કહે છે, “અમે ફાયશા શિડોલનો ઉપયોગ કરીએ છીએ કારણ કે તેનો એક વિશિષ્ટ તીવ્ર સ્વાદ હોય છે.” તેઓ સ્થાનિક બજારમાંથી શિડોલને 500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ખરીદે છે.










