પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં આવેલું શાંતિપુર શહેર કોલકાતાથી લગભગ 90 કિલોમીટર દૂર સ્થિત છે. આ શહેર અને તેની આસપાસના નગરો લાંબા સમયથી તેમની મુલાયમ અને બારીક હેન્ડલૂમ સાડીઓ માટે પ્રખ્યાત છે.
ભારત તેમજ અન્ય દેશોમાં હેન્ડલૂમના કાપડની માંગ આજે પણ નોંધપાત્ર છે. પરંતુ પાવરલૂમ્સ તરફથી મળતી સ્પર્ધા અને ઘટતી આવક જેવાં અન્ય કારણોસર, દેશભરના કુશળ વણકરો વર્ષોથી ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. શાંતિપુરમાં પણ ઘણા લોકોએ તેમની સાળ છોડી દીધી છે અને આવકની શોધમાં અન્ય વ્યવસાયો તરફ વળ્યા છે.
પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં વણાતી હેન્ડલૂમ સાડીઓ શાંતિપુરી સાડીઓ તરીકે ઓળખાય છે. શાંતિપુર-ફુલિયા વિસ્તારમાં હજારો હેન્ડલૂમ ક્લસ્ટરો છે જે સુતરાઉ, તુસાર અને રેશમ જેવા વિવિધ દોરાઓનો ઉપયોગ કરીને શાંતિપુરી તાંત, તંગૈલ અને જામદાની જેવી હેન્ડલૂમ સાડીઓ બનાવે છે.




