હવામાં માટી અને લાકડાના ધુમાડાની ગંધ પ્રસરેલી છે. સિમેન્ટની લાદી એક મોટા ટબમાં સંગ્રહિત સફેદ માટીના ડાઘાઓથી ખરડાયેલી છે. મોલ્ડ અને અર્ધ-તૈયાર માટીકામની વસ્તુઓ આસપાસ વેરવિખેર પડેલી છે; અહીં ચાલવા માટે ભાગ્યે જ કોઈ જગ્યા છે. હમીદ અમને કહે છે, “જો જો પગલું જોઈને મુકજો.” હમીદ અહેમદે દરેકને સતત યાદ અપાવતા રહેવું પડે છે.
એક 12 વર્ષીય છોકરો ચાકડા પર કામ કરી રહ્યો છે ને તેને ચલાવતાં શીખી રહ્યો છે. તે હમીદનો પુત્ર, મોહંમદ સલમાન છે. તેના જમણા પગથી ચાકડાને ધક્કો મારતો અને સાથે સાથે તેનો ડાબો પગ લંબાવતો આ યુવાન સફેદ માટીની ધૂળથી લથપથ થયેલો છે. તેનો ચહેરો ધ્યાનમગ્ન છે.
હમીદ તેને સૂચના આપે છે, “ધીમેથી [વાસણ] ઉતાર.” અહીં ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે – આ 49 વર્ષીય પીઢ કુંભાર લગભગ નવ વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતા પાસેથી આ વિશિષ્ટ કિક-વ્હીલ ટેકનિક શીખવાનું શરૂ કર્યું હતું. તેઓ સ્મિત સાથે તે સમયને યાદ કરતાં કહે છે, “મેં મારા શરૂઆતના કેટલાક નમૂના તોડી નાખ્યા હતા. તે પ્રેક્ટિસથી જ આવડે છે.”
હમીદને 10 ભાઈઓ છે અને તેઓ સાતમી પેઢીના માટીકામ કારીગર છે. આજે ઉત્તર પ્રદેશના ‘સિરામિક સિટી' ખુજરામાં આ કળાને વળગી રહેલો તેમનો પરિવાર એકલો જ બાકી રહ્યો છે. આ શહેર તેના વિશિષ્ટ માટીકામ માટે જાણીતું છે, જે મોટે ભાગે મુસ્લિમો દ્વારા કરવામાં આવે છે.



















