તિરા કલાકાર, એમ.કે. કેળકુટ્ટિએ એક વખત એક પવિત્ર ઉપવનમાં ભજવણી દરમિયાન ઝાડ પરથી એક પાંદડું તોડ્યું હતું. તેમના પૌત્ર, એમ.કે. કુન્હિરામન યાદ કરે છે, "તેમને તે સ્થળને 'પ્રદૂષિત' કરવા બદલ ચાર આના ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે આવું બન્યું ત્યારે તેઓ ભગવાનનો વેશ ભજવી રહ્યા હતા એ વાતથી કોઈ ફરક પડતો નહોતો."
તિરા કલાકારો અનુસૂચિત જાતિના સમુદાયના લોકો છે, અને ઉચ્ચ જાતિના મંદિરોમાં તેમનું કલાકાર તરીકે સ્વાગત કરવામાં આવે છે, તેમ છતાં આ સ્થળો તેમને માટે પ્રતિબંધિત છે. આ ઔપચારિક નૃત્ય કાવ અથવા પવિત્ર ઉપવનોમાં, તેમજ મંદિરના પરિસરમાં રજૂ કરવામાં આવે છે. પરંતુ જ્યાં દેવતા રાખવામાં આવે છે ત્યાં (ગર્ભગૃહમાં) પ્રવેશ કરવો અથવા ભજવણી કરવી તેમને માટે પ્રતિબંધિત છે.
કુન્હિરામન વણ્ણાન સમુદાયના છે, આ સમુદાયના લોકો પરંપરાગત રીતે, સામાન્ય રીતે ઉચ્ચ જાતિના લોકોના, કપડાં ધોતા હતા. તેઓ કેરળમાં શિડ્યુલ્ડ કાસ્ટ (અનુસૂચિત જાતિ) તરીકે સૂચિબદ્ધ છે. કુન્હિરામનના પિતા અને દાદા બંને તિરા કલાકારો હતા. કુન્હિરામન તેમની સાથે જવા લાગ્યા ત્યારે તેઓ નાના હતા. આખરે ઉંમરના ચાલીસના દાયકાની શરૂઆતમાં તેમણે ભજવણી કરવાનું શરૂ કર્યું હતું.
87 વર્ષના કુન્હિરામન તેમણે જે જે હિંદુ દેવતાઓના વેશ ભજવ્યા હતા તેમના નામ ઝડપભેર બોલી જાય છે, "તલચ્ચિલોન, કરિયાતન, કુટ્ટિચાતન, વેટ્ટકોરમગન, કણ્ણિગકરવોન..."
અને પછી કુન્હિરામન ‘અંઝડી’ અને ‘તોટ્ટમ પાટ્ટ’ ગાવાનું શરૂ કરે છે. અંઝડી ભગવાનનું આહ્વાન કરવા માટે ગવાય છે જે નૃત્ય કરનારના શરીરને પોતાના વશમાં કરી લેશે અને તોટ્ટમ પાટ્ટ કુટ્ટિચાતનનો ઇતિહાસ વર્ણવે છે. જોકે કેટલાક વિદ્વાનો કહે છે કે તોટ્ટમ પાટ્ટ દેવી ભગવતીનું આહ્વાન કરે છે, નહીં કે રક્ષણ અને સમૃદ્ધિ માટે પૂજાતા કુટ્ટિચાતનનું. તેમને તેમની છાતી પર આઠ પુળ્ળિ (ટપકાં) સાથે દર્શાવવામાં આવ્યા છે.
કુન્હિરામનનો સંગીતમય અવાજ વાતાવરણને ભરી દે છે. તેઓ કહે છે, “કુટ્ટિચાતનનો જન્મ વળ્ળુવા [નીચલી જાતિ] માતા અને નંબૂદિરી [બ્રાહ્મણ] પિતાને ત્યાં થયો હતો. એક વાર તેઓ નાના હતા ત્યારે તેમને ખૂબ ભૂખ લાગી હતી. તેઓ લાંબા સમયથી ભૂખ્યા હતા. પછીથી તેમણે તેમના ધણમાંથી એક ભેંસને મારી નાખીને તેનું લોહી પીધું હતું. ગુસ્સે થઈને તેમના પિતાએ તેમને મારી નાખીને તેમના 399 ટુકડા કરી નાખ્યા હતા."
કુન્હિરામન કોળિકોડના સિવપુરમ ગામમાં તેમના બે માળના ઘરના વરંડામાં બેઠા છે. તેઓ આ પત્રકારને કહે છે."આજે આપણી પાસે કેટલા બધા કુટ્ટિચાતન છે - પૂકુટ્ટિ, તિકુટ્ટિ, કરિકુટ્ટિ."


























