એક નાનકડી ચાની દુકાન, સાવ અંતરિયાળ વિસ્તારમાં આવેલું માટીનું બાંધકામ. આગળના ભાગમાં લગાવેલું સાદા કાગળ પર હાથથી લખેલું એક બોર્ડ:


Idukki, Kerala
|MON, MAR 02, 2026
વનવગડા નું વાંચનાલય
73 વર્ષની ઉંમરે, પી. વી. ચિન્નાતંબી કેરળના ઇડુક્કી જિલ્લાનાં ગાઢ જંગલોની વચ્ચે એક અનોખું એકલવાયું લાઇબ્રેરી ચલાવે છે. તેમના 160 પુસ્તકોના સંગ્રહમાં બધી જ ઉત્તમ કૃતિઓ છે, જેને ગરીબ મુતુવન આદિવાસીઓ નિયમિતપણે લઈ જાય છે, વાંચે છે અને પાછા આપી જાય છે
Author
Translator
અક્ષરા આર્ટ્સ એન્ડ સ્પોર્ટ્સ
લાઇબ્રેરી
ઇરુપ્પુકલ્લાકુડી
એડમાલકુડી

P. Sainath
એક પુસ્તકાલય? અહીં, ઇડુક્કી જિલ્લાનાં આવાં ગાઢ જંગલો અને વનવગડામાં? ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતા કેરળ રાજ્ય કેરળની આ એવી જગ્યા છે જ્યાં સાક્ષરતાનો દર ખૂબ ઓછો છે. રાજ્યની પહેલી ચૂંટાયેલી આદિવાસી ગ્રામ પંચાયતના આ નાનકડા નેસમાં માત્ર 25 પરિવારો રહે છે. જો અહીંથી કોઈ બીજાને પુસ્તક વાંચવા જોઈતું હોય, તો તેમણે ઘનઘોર જંગલમાંથી લાંબો રસ્તો કાપીને આવવું પડે છે. શું તેઓ ખરેખર આટલી મહેનત કરશે?
“હા, બિલકુલ,” ચા વેચનારા, સ્પોર્ટ્સ ક્લબના આયોજક અને ગ્રંથપાલ એવા 73 વર્ષીય પી. વી. ચિન્નતંબી કહે છે. “લોકો આવે છે.” તેમની નાનકડી દુકાન – જ્યાં ચા, ચવાણું (મિક્ષચર), બિસ્કિટ, માચીસ અને બીજો પરચૂરણ સામાન મળે છે – એડમાલાકુડીના પહાડી વિસ્તારના એક ચાર રસ્તે આવેલી છે. આ કેરળની સૌથી અંતરિયાળ પંચાયત છે, જ્યાં ફક્ત એક જ આદિવાસી સમુદાય, મુતુવન, વસે છે. અહીં પહોંચવા માટે મુન્નાર પાસેના પેટ્ટીમુડીથી 18 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે. અને ચિન્નતંબીની ચાની દુકાન-કમ-લાઇબ્રેરી સુધી પહોંચવા હજી પણ વધારે ચાલવું પડે છે. જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યાં, ત્યારે તેમનાં પત્ની કામે ગયાં હતાં. તેઓ પણ મુતુવન સમુદાયના જ છે.
મેં મૂંઝવણ સાથે પૂછ્યું, “ચિન્નતંબી, મેં ચા પીધી. દુકાનમાં સામાન પણ જોયો. પણ તમારી લાઇબ્રેરી ક્યાં છે?” તેઓ એક સુંદર સ્મિત આપીને અમને એ નાનકડા મકાનની અંદર લઈ જાય છે. એક અંધારા ખૂણામાંથી, તેઓ શણના બે મોટા કોથળા બહાર કાઢે છે − એવા કોથળા જેમાં 25 કિલો કે તેથી વધુ ચોખા સમાઈ શકે. તે કોથળામાં 160 પુસ્તકો છે, જે તેમનો આખો ખજાનો છે. લાઇબ્રેરીના સમયે તેઓ રોજની જેમ જ, આ બધાં પુસ્તકોને એક ચટાઈ પર સાચવીને ગોઠવે છે.
અમારા આઠ રખડુઓની ટોળકી આશ્ચર્યથી આ પુસ્તકો જોઈ રહી હતી. તેમાંનું દરેક દરેક પુસ્તક સાહિત્યની એક ઉત્તમ કૃતિ હતી, એક ક્લાસિક, રાજકીય પુસ્તકો પણ. રોમાંચક કથાઓ, બેસ્ટસેલર કે હળવા વાંચનની વાર્તાઓ અહીં ઉપલબ્ધ નથી. ત્યાં તમિલ મહાકાવ્ય ‘સિલપ્પતિકરમ’નો મલયાલમ અનુવાદ હતો. વૈકોમ મુહંમદ બશીર, એમ.ટી. વાસુદેવન નાયર, કમલા દાસ જેવાં લેખકોનાં પુસ્તકો હતાં. સાથે સાથે એમ. મુકુંદન, લલિતાંબિકા અંતર્જનમ અને બીજાં ઘણાં લેખકોની કૃતિઓ પણ હતી. મહાત્મા ગાંધીના લખાણોની સાથે સાથે તોપ્પિલ ભાસીની ‘યુ મેડ મી અ કોમ્યુનિસ્ટ’ (તમે મને સામ્યવાદી બનાવ્યો) જેવી ક્રાંતિકારી વિચારધારાવાળી પ્રખ્યાત કૃતિઓ પણ હતી.
હવે બહાર બેઠા પછી અમે પૂછ્યું, “પણ ચિન્નતંબી, શું અહીંના લોકો ખરેખર આવું ગહન સાહિત્ય વાંચે છે?” મોટાભાગના આદિવાસી સમુદાયોની જેમ, મુતુવન લોકો પણ બીજા ભારતીયો કરતાં વધુ વંચિતતા અને શિક્ષણમાં અધવચ્ચેથી ઊઠી જવાના ઊંચા દરનો સામનો કરે છે. જવાબમાં, તેઓ પોતાની લાઇબ્રેરીનું રજિસ્ટર કાઢી લાવ્યા. આ પુસ્તકો લેવા અને પરત કરવાના વ્યવહારનો એકદમ ચોકસાઈપૂર્વક રાખેલો હિસાબ હતો. ભલે આ નેસમાં ફક્ત 25 પરિવારો રહેતા હશે, પણ 2013માં 37 પુસ્તકો વાંચવા માટે લેવાયાં હતાં. આ આંકડો કુલ 160 પુસ્તકોના ચોથા ભાગની નજીક છે – જે એક સારો લેવડ-દેવડનો ગુણોત્તર ગણાય. લાઇબ્રેરીની સભ્ય ફી એક વખતના 25 રૂપિયા અને માસિક લવાજમ 2 રૂપિયા છે. પુસ્તક લેવા માટે અલગથી કોઈ પૈસા આપવાના નથી હોતા. ચા મફત છે. ખાંડ વગરની કાળી ચા. “લોકો પહાડોમાંથી થાકીને આવે છે.” ફક્ત બિસ્કિટ, ચવાણું અને બીજી વસ્તુઓના જ પૈસા આપવાના હોય છે. ક્યારેક, કોઈ મહેમાનને સાદું છતાં મફત ભોજન પણ મળી જાય છે.

P. Sainath
ઉધાર આપ્યાની અને પાછા આવ્યાની તારીખો, વાચકોનાં નામ, બધું જ તેમના રજિસ્ટરમાં વ્યવસ્થિત રીતે નોંધેલું હતું. ઇલંગોનું ‘સિલપ્પતિકારમ’ તો એકથી વધુ વખત લેવાયું હતું. આ વર્ષે પણ અત્યાર સુધીમાં કેટલાંય પુસ્તકો લેવાઈ ચૂક્યાં હતાં. અહીં જંગલોની વચ્ચે ઉત્તમ સાહિત્ય ખીલી રહ્યું હતું, જેને એક હાંસિયામાં ધકેલાઈ ગયેલો આદિવાસી સમુદાય હોંશે હોંશે વાંચી રહ્યો હતો. આ જોઈને અમે વિચારમાં પડી ગયા. મને લાગે છે કે, અમારામાંથી કેટલાક તો અમારા પોતાના શહેરી વાતાવરણમાં વાંચનની કથળતી જતી આદતો છે તેના પર મનોમંથન કરી રહ્યા હતા.
અમારા જૂથમાં ઘણા એવા સભ્યો હતા જેઓ લખીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, અને અમારા અહંકારને હજી એક ઝટકો લાગવાનો બાકી હતો. અમારી સાથે મુસાફરી કરી રહેલા કેરળ પ્રેસ એકેડેમીના ત્રણ પત્રકારત્વના વિદ્યાર્થીઓમાંથી એક, યુવાન વિષ્ણુ એસ.ને એ પુસ્તકોના ઢગલામાંથી એક અલગ જ પ્રકારનું ‘પુસ્તક’ મળી આવ્યું. એક લીટીવાળી નોટબુક, જેનાં ઘણાં પાનાં હાથથી લખેલાં હતાં. તેનું હજી કોઈ શીર્ષક નહોતું, પણ એ ચિન્નતંબીની આત્મકથા હતી. તેઓ સંકોચ સાથે કહે છે કે તેઓ તેમાં બહુ આગળ નથી લખી શક્યા. પણ તેઓ તેના પર કામ કરી રહ્યા છે. “અરે ચાલોને, ચિન્નતંબી! અમને તેમાંથી કંઈક સંભળાવો તો ખરા.” એ લખાણ લાંબું નહોતું અને અધૂરું હતું, પણ વાત ખૂબ જ સરસ રીતે કહેવાઈ હતી. તેમાં તેમની સામાજિક અને રાજકીય ચેતનાનાં પ્રથમ અંકુર ફૂટવાની વાત હતી. આખરે, તેની શરૂઆત મહાત્મા ગાંધીની હત્યાના પ્રસંગથી થાય છે, જ્યારે લેખક લગભગ સાત વર્ષના હતા – અને એ ઘટનાની તેમના પર કેવી ઊંડી અસર થઈ હતી.
ચિન્નતંબી કહે છે કે તેમને એડમાલાકુડી પાછા ફરીને પોતાની લાઇબ્રેરી શરૂ કરવાની પ્રેરણા મુરલી ‘માશ’ (માસ્તર કે શિક્ષક) પાસેથી મળી હતી. મુરલી ‘માશ’ આ વિસ્તારમાં એક જાણીતા અને આદરણીય વ્યક્તિ અને શિક્ષક છે. તેઓ પોતે પણ આદિવાસી છે, પણ બીજા સમુદાયના છે. તેમનો સમુદાય આ પંચાયતની બહાર આવેલા માનકુલમમાં રહે છે. તેમણે પોતાનું મોટાભાગનું જીવન મુતુવન લોકો સાથે અને તેમના માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું છે. ચિન્નાતંબી કહે છે, “માશે જ મને આ રસ્તે વાળ્યો.” તેઓ પોતે કંઈક વિશેષ કરી રહ્યા છે એવો કોઈ દાવો નથી કરતા, જો કે તેમનું કામ ખરેખર વિશેષ છે.
એડમાલાકુડીમાં, જ્યાં આ નેસ એવી 28 નેસમાંની એક છે, ત્યાં 2,500થી પણ ઓછા લોકો રહે છે. આ આંકડો લગભગ સમગ્ર દુનિયાની મુતુવન વસ્તી બરાબર છે. ઇરુપ્પુકલ્લાકુડીમાં તો માંડ સો જેટલા જ લોકો રહે છે. સો ચોરસ કિલોમીટરથી વધુના જંગલ વિસ્તારમાં ફેલાયેલું એડમાલાકુડી, રાજ્યમાં સૌથી ઓછા, માંડ 1,500 મતદારો ધરાવતી પંચાયત પણ છે. અમારે અહીંથી બહાર નીકળવાનો રસ્તો છોડી દેવો પડ્યો. કારણ કે અમે તમિલનાડુના વાલપળાઈ જવા માટે જે ટૂંકો રસ્તો પસંદ કર્યો હતો, તેના પર જંગલી હાથીઓએ કબજો જમાવી લીધો હતો.
છતાં, અહીં ચિન્નતંબી બેઠા છે, અને દુનિયાની સૌથી એકલવાયી કહી શકાય એવી લાઇબ્રેરી ચલાવી રહ્યા છે. અને તેઓ પોતાના ગરીબ વાચકોની જ્ઞાનની અને સાહિત્યની ભૂખ સંતોષીને તેને ધમધમતી રાખે છે. સાથે સાથે તેમને ચા, ચવાણું અને માચીસ પણ પૂરાં પાડે છે. અમારી ટોળી, જે સામાન્ય રીતે ખૂબ વાતો અને શોરબકોર કરતી હતી, તે આ મુલાકાતથી એટલી પ્રભાવિત અને ભાવુક થઈ ગઈ કે થોડી વાર સુધી એકદમ શાંતિથી ચાલવા લાગી. અમારી નજર આગળના લાંબા અને કપરા રસ્તા પર હતી. અને અમારા મનમાં હતા પી. વી. ચિન્નાતંબી, એક અસાધારણ લાઇબ્રેરીયન.
આ લેખ મૂળ રૂપે અહીં પ્રકાશિત થયો હતો: http://psainath.org/the-wilderness-library/
અનુવાદક: ફૈઝ મોહંમદ
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/the-wilderness-library-guj

