2012માં લગ્ન થયાના થોડા સમય બાદ જ અંજુ રાનીનું જીવન વિખેરાવા લાગ્યું. બે બાળકોનાં માતા 34 વર્ષીય અંજુ રાની કહે છે, “મારા પતિને દારૂનું વ્યસન હતું, અને અમારે રોજ ઝઘડા થતા. હું અંદરથી ભાંગી રહી હતી.”
તેમના પતિ ઘરના ખર્ચમાં કોઈ મદદ કરતા નહોતા. તેઓ કહે છે, “અમારાં વીજળીનાં બિલ પણ ઘણી વાર ભરાતાં ન હતાં. દેવું વધતું ગયું, અને શાહુકારો ઘરે આવીને હેરાન કરવા લાગ્યા. એ દિવસો મેં ડરમાં વિતાવ્યા હતા.”
જ્યારે પણ તેઓ પશ્ચિમી ઉત્તર પ્રદેશના સિયાણા શહેરમાં આવેલા પોતાના સાસરિયાથી 30 કિલોમીટર દૂર આવેલા અયાદનગર ગામમાં પોતાના પિયર જતાં, ત્યારે પાડોશીઓ અને સંબંધીઓ તેમના લગ્નજીવનના તણાવને ઓછો જ આંકતાં. તેઓ તેમને પતિ પાસે પાછા જવા માટે દબાણ કરતાં, અને વર્ષો સુધી તેઓ પોતાની દીકરીને સાથે લઈને પાછાં જતાં રહ્યાં.
15 વર્ષ પહેલાં કેન્સરથી પિતાના અવસાન બાદ અંજુનાં માતા એકલાં જ રહે છે. પોતાની માતાની બાજુમાં એક જીર્ણ ખાટલા પર બેઠેલાં અંજુ કહે છે, “એક દિવસ, હું બધું છોડીને હંમેશ માટે મારા પિયર પાછી આવી ગઈ. તેઓ મને લેવા આવ્યા જ નથી, અને હુંય ક્યારેય પાછી નથી ગઈ.”
તેઓએ ખેતમજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં ઋતુ અને કામની ઉપલબ્ધતાના આધારે રોજના 200થી 250 રૂપિયા કમાતાં હતાં.
2017માં તેઓએ ફરી એક વાર લગ્ન કર્યાં અને તેમને બીજી દીકરી થઈ. “મેં ફરીથી મારું જીવન જીવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજાં લગ્ન તો પહેલાથીય ખરાબ નીકળ્યાં. આ પતિ પણ દારૂ પીતો અને મને મારતો. તે દારૂ માટે ઘરની જરૂરી વસ્તુઓ વેચી દેતો — પહેલાં અનાજ અને કૂલર, પછી તો મારું સિલાઈમશીન પણ વેચી દીધું. પછી તો તે લોકોના ઘરે ચોરી કરવા લાગ્યો. મારી ખૂબ જ બદનામી થઈ.”









