પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના મકરદહ ગામમાં આવેલો પૂર્વન્નપારાનો સમુદાય, લગભગ દર વર્ષે, જ્યારથી કોઈને યાદ છે ત્યારથી, એક અનોખી ‘તુબરી પ્રતિયોગિતા’નું આયોજન કરતો આવ્યો છે. આ સ્પર્ધા હોય છે સૌથી તેજસ્વી, સૌથી મોટી અને સૌથી લાંબો સમય ટકી રહેતી તુબરી બનાવવાની. તુબરી એક પ્રકારનો ફટાકડો છે, જે દેખાવમાં થોડો ક્રિસમસ ટ્રી જેવો લાગે છે. તેને આમ તો રોમન કેન્ડલ કહી શકાય, પણ સાચું કહીએ તો પશ્ચિમી દેશોમાં તેના જેવું બીજું કંઈ જોવા મળતું નથી. બંગાળમાં, જે ગામના પુરુષો આ કળામાં માહેર હોય છે, તેઓ દિવાળીના સ્થાનિક સ્વરૂપ એવા કાલી પૂજાના સમયે પોતાના ભત્રીજા અને બીજા છોકરાઓને અન્ય ફટાકડાની સાથે તુબરી બનાવતા શીખવે છે. આ સ્પર્ધા સામાન્ય રીતે દિવાળીના એક કે બે અઠવાડિયા પછી, પ્રકાશના આ પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાય છે.
સાંજ ઢળતાં, પૂર્વન્નપારાના મુખ્ય ચોકમાં, જ્યાં બધા તહેવારો ઉજવાય છે, ત્યાં તૈયારીઓ શરૂ થઈ જાય છે. બે વાંસના થાંભલા એકબીજા સાથે બાંધીને ઊભા કરવામાં આવે છે. આ એક જ થાંભલો સ્પર્ધામાં ભાગ લેતી તુબરીઓની ઊંચાઈ માપવાના કામમાં આવશે, જે ક્યારેક તો 70 ફૂટ જેટલી ઊંચે સુધી પહોંચી શકે છે.















