અમારા કોરકુ સમાજમાં માન્યતા છે કે ખેતરમાં વાઘનું આવવું શુકનિયાળ ગણાય. તેના પગનાં નિશાન ખેડૂત માટે ધન-દોલતનો સંકેત છે. તેનાથી ચારેકોર સુખ-સમૃદ્ધિ આવે છે.
મારું નામ રામલાલ છે અને મારો જન્મ મહારાષ્ટ્રના મેલઘાટ વાઘ અભયારણ્ય (MTR)ના બફર વિસ્તારમાં આવેલા પાયવિહીર ગામમાં થયો હતો. અને હું, વસંત, MTRના મુખ્ય વિસ્તારમાં આવેલા બોરાત્યાખેડા ગામમાં રહું છું. અમે બંને કોરકુ આદિવાસી છીએ અને અમે પેઢીઓથી આ જંગલોમાં રહેતા આવ્યા છીએ.
અમે એ સમજણ સાથે મોટા થયા છીએ કે ગાય કે બળદના છાણ પર વાઘના પંજાના નિશાન મળવા એ ખૂબ જ શુભ સંકેત છે. આવા નિશાનવાળા છાણને અનાજના કોઠારમાં સાચવીને રાખવામાં આવતું, એવી શ્રદ્ધા સાથે કે તેનાથી ઘરમાં ક્યારેય અનાજની અછત નહીં સર્જાય.
અમે મકાઈ, જુવાર, ડાંગર, ઘઉં, બાજરી, સોયાબીન, મગફળી, સૂર્યમુખી, તલ, તુવેર, મગ, ચણા અને અન્ય કઠોળ પકવીએ છીએ. આમાંથી મોટાભાગનું અનાજ અમે વાપરવા માટે રાખીએ છીએ અને થોડો ભાગ વેચીએ છીએ. અમારા સમાજના મોટાભાગના ખેડૂતો પાસે જંગલની જમીન ખેડવા માટેના વ્યક્તિગત વન અધિકારો છે. અમે ખેતી માટે વરસાદ પર આધાર રાખીએ છીએ, પણ સિંચાઈ માટે નજીકનાં ઝરણાં અને કુવાઓના પાણીનો પણ ઉપયોગ કરીએ છીએ.
















