લુત્ફોર મુલ્લા કહે છે, “જ્યારે રોયલ બેંગાલ ટાઇગર કોઈ ગામમાં ઘૂસી આવે છે, ત્યારે ભારે અફરાતફરી મચી જાય છે.”
ગામમાં વાઘના આગમનના સમાચાર ફેલાતાની સાથે જ, લુત્ફોર પોતાના સાથીઓ સાથે તેને ભગાડવા માટે ત્યાં પહોંચી જાય છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી, લુત્ફોર રાજ્યના વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી બે ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’માંથી એકની જવાબદારી સંભાળી રહ્યા છે, જે સુંદરવનના કુલતોલી બ્લોકનાં ગામોમાં કાર્યરત છે.
વાઘને ભગાડનારી આ ટુકડીના આગેવાન વિશે જાણ્યા પછી, અમે મોઈપિત કોસ્ટલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા તેમના ગામ, પૂર્વ ગુળગુળિયા જવા નીકળી પડ્યા.
ડામર વગરનો ઉબડખાબડ રસ્તો આગળ જતાં એક ધૂળિયા અને ખાડાટેકરાવાળા કાચા રસ્તામાં ફેરવાઈ જાય છે. આ વાંકાચૂંકા રસ્તાની બાજુમાં માતલા નદીનું ઊંડું, ઘેરું પાણી વહે છે. અમે અડધો કલાક ચાલ્યાં ત્યાં સુધીમાં અમને માતલામાં એક પણ હોડી નજરે ન પડી. નદીની બીજી બાજુ એક વિશાળ, ગાઢ જંગલ આવેલું છે.
પૂર્વ ગુળગુળિયા લગભગ 5,600 લોકોનું ઘર છે (વસ્તી ગણતરી 2011) − અહીં મોટાભાગે હિન્દુ વસ્તી છે, પરંતુ મુસ્લિમ રહેવાસીઓની પણ સારી એવી સંખ્યા છે. ભુવનેશ્વરી પંચાયત હેઠળના આ ગામમાં માછીમારી અને ખેતી આજીવિકાના બે મુખ્ય સ્રોત છે.
જ્યાં લુત્ફોર રહે છે તે બોટ ટોલા વિસ્તારમાં પહોંચીને, અમે તેમના ઘર વિશે પૂછપરછ કરી. બોટ ટોલા પાસે આવેલા કાલી મંદિરના ચોગાનમાં સત્તર-અઢાર વર્ષનો એક છોકરો કરચલાથી ભરેલી થેલી પકડીને રાહ જોઈ રહ્યો હતો. અમને જોઈને તેણે પૂછ્યું: “કોલકાતાથી આવો છો ને? હું લુત્ફોર મુલ્લાનો મોટો દીકરો છું. હું તમારી જ રાહ જોતો હતો.”
લુત્ફોરનું ઘર નજીકમાં જ છે. લગભગ 1,000 ચોરસ ફૂટ જમીન પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલું, આ એક માળના મકાનમાં ઈંટોથી બનેલા ત્રણ સાદા ઓરડા, પાકું ધાબું અને એક ઓસરી છે. સૌથી મોટા ઓરડામાં પગ મૂકતાં જ, મને પલંગ પર સૂતેલી એક વ્યક્તિનો નબળો અવાજ સંભળાયો: “શું કહું? થોડા દિવસથી આ તાવે મને જકડી લીધો છે.” આ લુત્ફોર મુલ્લા છે? આ દુબળો-પાતળો માણસ!








